પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક એવા પાલનપુર શહેરમાં રોડ-રસ્તાઓ બિસ્માર હાલતમાં હતા,એમાં વરસાદને લીધે રોડ પર ઠેર ઠેર ખાડાંઓ પડી જતાં વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. શહેરના ગુરુનાનક ચોક, અમીર રોડ, એરોમા સર્કલ, જુનાગંજ, તેમજ અમદાવાદ હાઈવેના સર્વિસ રોડ પર ખાડાઓ પડી ગયા છે.
પાલનપુર શહેરના રોડ-રસ્તાઓ પર ઠેર ઠેર ખાડાં પડી ગયા છે. અને વરસાદને લીધે ભરાયેલા પાણીથી ખાડાંઓમાંથી માટી પણ તણાઈ જતાં ઊડાં ખાડાઓને લીધે વાહનોને નુકશાન થઈ રહ્યું છે. નગરપાલિકાઓના સત્તાધિશો પણ આ મામલે નિષ્ક્રિય છે. શહેરના ગુરુનાનક ચોક, અમીર રોડ, એરોમા સર્કલ, જુનાગંજ, તેમજ અમદાવાદ હાઈવેના સર્વિસ રોડ પર ખાડાઓ ઠેર ઠેર જોવા મળી રહ્યા છે. સૌથી વધુ ખાડાં અમદાવાદ હાઈવેના સર્વિસ રોડ પર તેમજ આકેસણ તરફ જવાના રોડ પર પડ્યા છે. જેમાં સૌથી વધુ જોખમી જોખમી સ્થિતિ જ્યાં પાણી ભરેલું છે તેની નીચેના ખાડાઓની છે કારણ કે તે ખાડાઓ દેખાતા જ નથી અને વાહનો તેમાં પટકાઈ રહ્યા છે.
આ ઉપરાંત શહેરના અમીર રોડ પર થોડા દિવસો અગાઉ ખાડાઓ પડતા રસ્તો રીપેર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ બે ઇંચ વરસાદ પડતા આ રોડ ફરી જર્જરીત થઈ ગયો છે અને ફરી વાહનો પટકાઇ રહ્યા છે. અધૂરામાં પૂરું અગાઉ જે ખાડાઓ અગાઉથી જ નાના હતા. તે ન માત્ર વરસાદથી ઊંડા થયા પરંતુ આજુબાજુ ડામર તૂટતાં ખાડાઓ પણ મોટા દેખાવા લાગ્યા. નગરપાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું કે નગરપાલિકાની હદ વિસ્તારમાં જે જોખમી ખાડાઓ છે, ત્યાં રાત્રિના સમયે વેટમિકસ નાખીને પુરી દેવામાં આવશે. જ્યારે શહેરમાં પ્રવેશવાના કેટલાક રસ્તા માર્ગ અને મકાન વિભાગ હેઠળ આવે છે, એટલે આ રસ્તાએ મરામત કરવાની જવાબદારી માર્ગ અને મકાન વિભાગની છે.