અમદાવાદઃ ગુજરાતમાં તમામા જિલ્લાઓમાં મેધરાજાની વિધિવત પધરામણી થઈ ગઈ છે. મંગળવારે રાત્રે 105 તાલુકામાં વરસાદ પડ્યો હતો. છેલ્લા એક સપ્તાહથી રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં સમયાંતરે વરસાદ વરસી રહ્યો છે. જેના લીધે વાડી-ખેતરોમાં પાણી ભરાયેલા હોવાથી લીલા શાકભાજી ઉતારવા માટે જઈ ખેડુતો જઈ શકતા ન હોવાથી માર્કેટમાં શાકભાજીની આવક ઘટી ગઈ છે. તેના લીધે શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો થયો છે. કેટલાક શાકભાજીના ભાવ 100ને પર પહોંચી ગયા છે. ટામેટા 100થી લઈને 120 રૂપિયા કિલો સુધી વેચાઈ રહ્યા છે. કોથમીર અને આદુંના ભાવ 150થી 200 રૂપિયા કિલો સુધી પહોંચી ગયા છે. રસોઈ બનાવવામાં સૌથી વધુ જો કોઈ વસ્તુની જરૂર પડતી હોય તો તે ટામેટા અને કોથમીર છે. તમામ વાનગીઓમાં ટામેટા કોથમીરની જરૂર પડતી હોય છે. જેના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓની મુશ્કેલીમાં વધારો થયો છે.
ગુજરાતમાં આ સીઝનમાં ટામેટાનું વાવેતર ન થતું હોવાથી શાકભાજીના વેપારીઓ નાસિક,પુના અને બેંગલોરથી આવતા ટામેટાની આવક પર નિર્ભર હોય છે. હાલ મહારાષ્ટ્ર અને બેંગ્લોરમાં ભારે વરસાદના કારણે ટામેટાની આવક ઘટી છે જેથી ટામેટાની ઘટ પડતા ભાવ ભડકે બળ્યા છે. ટામેટાના વેપારીઓ સાથે વાત કર્યા જાણવા મળ્યું કે આ સીઝનમાં ટામેટાના ભાવ ઉચા જતા જ હોય છે પરંતુ આ વખતે ભાવ વધારે ઉચા ગયા છે. હજુ દિવાળી સુધી ટામેટાના ભાવ આવા જ રહેવાની શક્યતા પણ વેપારીઓએ વ્યક્ત કરી છે. ગુજરાતમાં એક માત્ર શિયાળામાં જ ટામેટાનું ઉત્પાદન થાય છે.જેને આપણે દેશી ટામેટા તરીકે ઓળખીયે છીએ.દિવાળી બાદ સ્થાનિક દેશી ટામેટાની આવક થશે ત્યારબાદ ટામેટાના ભાવ કાબુમાં આવશે.દેશી ટામેટાની આવક બાદ ટામેટા ભાવ ઘટીને 20-30 રૂપિયા સુધી પહોંચી જશે. ત્યાં સુધી લોકોએ આ જ પ્રકારના ભાવ લોકોએ ચૂકવવા પડશે.
આ ઉપરાંત સ્થાનિક ઉત્પાદન થતાં કેટલાક શાકભાજીના ભાવમાં પણ મોટો ઉછાળો આવ્યો છે. બિપરજોય વાવાઝોડાના ભારે પવન અને ભારે વરસાદના કારણે પાકને ખુબ જ નુકસાન પહોચ્યું હતુ. જેથી કોથમીર અને આદુ 150થી લઈને 200 રૂપિયા કિલો સુધી પહોંચી ગયા છે. આ ઉપરાંત તુરિયા 110 રૂપિયા કિલો, ચોળી 100 રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે. જ્યારે ભીંડો, ગુવાર 70-80 રૂપિયા કિલો, કાકડી, સુધી 60-70 રૂપિયા કિલો છે. તો લીંબુના ભાવ મહદ અંશે કાબુમાં છે જે 50થી 60 રૂપિયા કિલો છે.