- કાળુપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં-1થી 9 ચાર તબક્કામાં બંધ કરાશે,
- કેટલીક ટ્રેનો સાબરમતી અને ગાંધીનગરથી દોડાવાશે,
- અમુક ટ્રેનો અસારવા, મણિનગર અને વટવા શિફ્ટ કરાશે
અમદાવાદઃ શહેરના 24 કલાક રેલ ટ્રાફિકથી વ્યસ્થ ગણાતા કાળુપુરના રેલવે સ્ટેશનની રિ-ડેવલપની કામગીરી ચાલી રહી છે. જેના લીધે આગામી નવેમ્બર મહિનાથી પ્લેટફોર્મ નં. 1થી 9 ચાર તબક્કામાં બંધ કરાશે. જ્યારે ટ્રેનોને સાબરમતી અને અસારવા, વટવા અને ગાંધીનગર સ્ટેશન પર શિફ્ટ કરવામાં આવશે. રિડેવલપમેન્ટની કામગીરીના ભાગરૂપે ચાર તબક્કામાં પ્લેટફોર્મ બંધ કરાશે. જ્યારે કાલુપુરથી ઊપડતી ટ્રેનો શિફ્ટ થઈ આસપાસના રેલવે સ્ટેશન પરથી દોડશે.
અમદાવાદના કાળુપુર રેલવે સ્ટેશનના રિ-ડેવલેપનું કામ ચાલી રહ્યું છે. જેને કારણે હાલ ઘણી ટ્રેનોને સાબરમતી અને ગાંધીનગર કેપિટલ સ્ટેશન પરથી દોડાવાઈ રહી છે. હજુ કેટલીક ટ્રેનોને સાબરમતી, અસારવા, વટવા સ્ટેશને શિફ્ટ કરવાની તૈયારી ચાલી રહી છે. રેલવે સ્ટેશન પર તબક્કાવાર પ્લેટફોર્મ બંધ કરવાની કામગીરી દરમિયાન સૌરાષ્ટ્ર, ભુજ, રાજસ્થાન તરફથી આવતી ટ્રેનોના સ્ટોપેજનો સમય પણ ઘટાડાશે. કેટલીક ટ્રેનોના સ્ટોપેજ મણિનગર સ્ટેશન પર આપવામાં આવી શકે છે. અમદાવાદમાં પસાર થતી ટ્રેનોની મેન્ટેનન્સની કામગીરી પણ અન્ય જગ્યા પર ખસેડાશે. સૌરાષ્ટ્ર, ભુજ, રાજસ્થાનથી આવતી ટ્રેનોમાં અમદાવાદથી પાર્સલ ચઢાવવા માટેની કામગીરી પણ અન્ય સ્ટેશન પર ખસેડાશે. આ અંગેની જાહેરાત ટુંક સમયમાં કરાશે.
સૂત્રોના જણાવ્યા મુજબ કાળુપુર રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 7, 8, 9: આગામી 15 નવેમ્બરથી 15 ફેબ્રુઆરી સુધી તેમજ પ્લેટફોર્મ નંબર 5, 6: આગામી 15 ફેબ્રુઆરીથી 15 મે સુધી બંધ રહેશે. આ ઉપરાંત પ્લેટફોર્મ નંબર 1, 2: આગામી તા. 15 મેથી 12 ઓગસ્ટ 2025 સુધી બંધ રહેશે. જ્યારે પ્લેટફોર્મ નં. 3 અને 4 આગામી તા. 12 ઓગસ્ટથી 10 નવેમ્બર 2025 સુધી બંધ રહેશે. મુંબઈ સહિતની કેટલીક ટ્રેનોનું સંચાલન મણિનગર, વટવા સ્ટેશનથી કરવાનો પ્રસ્તાવ મુકાયો છે. ટૂંક સમયમાં આ અંગે નિર્ણય લેવામાં આવશે. કર્ણાવતી એક્સપ્રેસ, એસી ડબલ ડેકર, સાબરમતી એક્સપ્રેસ, ચેન્નઈ એક્સપ્રેસ, ચેન્નઈ હમસફર એક્સપ્રેસ, પુરી એક્સપ્રેસ, ગુજરાત ક્વીન, ગોરખપુર એક્સપ્રેસ સહિતની કુલ 28 ટ્રેનોનું સંચાલન મણિનગર અને વટવા રેલવે સ્ટેશનથી કરવાનો પણ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.