ભાવનગરઃ ગુજરાતમાં હીરા ઉદ્યોગ થકી અનેક લોકો રોજગારી મેળવી રહ્યા છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી હીરા ઉદ્યોગ મંદીનો સામનો કરી રહ્યો છે. અને હાલ વ્યાપક મંદીના દોરમાં હીરા ઉદ્યોગ ફસાયો છે. ભાવનગર શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ હીરાના અનેક કારખાંના આવેલા છે. રત્નકલાકારો હીરા ઘસીને રોજગારી મેળવી રહ્યા છે પણ મંદીને કારણે મોટાભાગના કારખાના બંધ થઈ ગયા છે, અથવા તો કારખાનેદારોએ વેકેશન જાહેર કરી દેતા રત્નકલાકારો બંરોજગાર બનતા તેમની હાલત દયનીય બની છે. ગાહિલવાડ પંથકમાં વરસાદ મેઘરાજા મન મૂકીને વરસતા નથી, બીજીબાજુ હીરા ઉદ્યોગ મંદીના ભરડામાં આવી ગયો છે તેથી આગામી સમયમાં રોજગારીની વિકટ સમસ્યા ઉભી થવાના એંધાણ વર્તાય રહયાં છે.
ભાવનગર જિલ્લામાં ખેતી અને હીરા ઉદ્યોગ પર ઘણા લોકો નભે છે. કારણ કે ખેતી અને હીરા ઉદ્યોગ સિવાય રોજગારીનું બીજુ કોઈ સાધન નથી. ભાવનગર શહેરમાં હીરાના અનેક કારખાનાંઓમાં તાળા લાગી ગયા છે. બીજી તરફ કૃષિ ક્ષેત્રે પણ એટલી રોજગારી મળતી નથી. એટલે રત્નકલાકારો માટે રોજગારીની વિકટ સમસ્યા ઊભી થઈ છે. જિલ્લાના સિહોર શહેરમાં જી.આઇ.ડી.સી. ઉપરાંત હીરાના અનેક એકમો આવેલા છે. જ્યારે ગ્રામ્ય પંથકમાં ટાણા, અમરગઢ, બુઢણા, વરલ સહિતના ગામોમાં હીરાના ઘણા કારખાના આવેલા છે. જ્યાં આજુબાજુના ગ્રામ્ય પંથકના રત્ન કલાકારો આજીવિકા માટે આવતા હોય છે. પરંતુ હાલમાં હીરામાં ભારે મંદીનો માહોલ છે. બીજી તરફ વરસાદ પણ આવતો નથી. આથી ગ્રામ્ય લેવલે લોકોને રોજી-રોટી માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સામાન્ય રીતે શ્રાવણ માસ આવ્યા પછી ધીમે-ધીમે હીરામાં તેજી આવતી હોય છે અને આ તેજીનો માહોલ છેક દિવાળીના ઝાંપા સુધી રહેતો હોય છે. પણ આ વખતે મંદીનો દોર લાંબો ચાલે એવા એંધાણ છે.
સિહોર પંથકમાં કુદરત પણ રૂઠી છે.વરસાદનો ધોરી ગણાતો અષાઢ માસ સાવ કોરો ગયો એમ કહી શકાય. સિહોર પંથકના મોટાભાગના જળાશયોમાં સાવ નજીવી કહી શકાય એટલી માત્રામાં જ નવા નીરની આવક થવા પામી છે.આથી સિહોર પંથકમાં લોકો અત્યારે ભારે આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. વરસાદ ઓછો હોય અને હીરામાં તેજી હોય તો હીરાના આધારે ઘર ચલાવી શકાય.વરસાદ સારો હોય અને હીરામાં મંદી હોય તો ખેતીના આધારે ગુજરાન ચલાવી શકાય પરંતુ અત્યારે બેવડો માર પડી રહ્યો છે.
ભાવનગર શહેર અને જિલ્લામાં રોજગારીની સમસ્યા વિકરાળ સ્વરૂપ ધારણ કરીને ઊભી છે. જો હજી પણ સારો વરસાદ નહીં થાય તો આગામી દિવસોમાં રોજગારીની સમસ્યા ઓર ઘેરી બનીને લોકોને સતાવશે એમાં કોઇ બેમત નથી. હજુ પણ સારો વરસાદ થાય તેની ખેડૂતો કાગડોળે રાહ જોઇ બેઠા છે. (file photo)