ચીનમાં વધી રહેલા કોરોનાના કેસને લીધે કેન્દ્રની સુચના બાદ ગુજરાત સરકારે વ્યવસ્થાની કરી સમીક્ષા
ગાંધીનગરઃ ચીનમાં વધી રહેલા કેસને લીધે સંભવિત રોગચાળાનો ભારતમાં પ્રવેશ ન થાય તે માટે પગલાં લેવા ભારત સરકારના આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાના અધ્યક્ષસ્થાને આજે બેઠક મળી હતી. ત્યારબાદ તમામ રાજ્યોને તકેદારી રાખવાની સુચના અપાયા બાદ ગુજરાત સરકાર દ્વારા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં જરૂરી વ્યવસ્થા અંગે સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં ઓક્સિજન, દવા, કોવિડ કેર સેન્ટર, રસીકરણ જેવી સુવિધા બાબતે રિવ્યૂ કરવામાં આવ્યો હતો. શહેરી વિસ્તાર અને જિલ્લામાં આરોગ્ય માટેની સગવડ કેવા પ્રકારની છે? તે અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ ચીનમાં કોરોનાનો ખતરનાક ઓમિક્રોનનો સબ વેરિયન્ટ BF.7ના કેસો જે રીતે આવી રહ્યા છે. ત્યારે ઓમિક્રોનના સબવેરિયન્ટના ગુજરાતમાં બે કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ અને વડોદરામાં એક એક કેસ નોંધાયો છે. અમદાવાદ શહેરના સોલા વિસ્તારમાં એક અઠવાડિયા પહેલા તે વ્યક્તિને કોરોના થયો હતો અને તેના જિનોમ સિકવન્સ માટે ગાંધીનગર ખાતેની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જીનોમ સિક્વન્સની તપાસમાં ઓમિક્રોનનો સબ વેરિયન્ટ હતો. અમદાવાદમાં એક અઠવાડિયા પહેલા કેસ નોંધાયો હતો. જ્યારે વડોદરામાં જે કેસ નોંધાયો છે તે નવો કેસ છે. જો કે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા હજી સુધી આ મામલે કોઇ જાહેરાત કરવામાં આવી નથી.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, કોરોનાની બીજી લહેર દરમિયાન ગુજરાતની હોસ્પિટલોમાં બેડની સંખ્યા ઓછી થઈ હતી, ત્યારે અલગ અલગ શહેરના વિસ્તારોમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યા હતા. રાજ્યના આરોગ્યના કહેવા મુજબ કોવિડ કેર સેન્ટર અત્યારે સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. હાલની તારીખમાં એક પણ કોવિડ કેર સેન્ટર કાર્યરત નથી. પરંતુ દિલ્હીથી જે સૂચના આવશે તે તમામ સૂચનાનું અમલીકરણ કરવામાં આવશે. પરંતુ વ્યવસ્થા તમામ કરવામાં આવી છે અને જે કોવિડ કેર સેન્ટર હતા તેને અત્યારે તાત્કાલિક ધોરણે એલર્ટ પર મૂકી દેવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અત્યારે 33 જિલ્લા પૈકી એક પણ કોવિડ હોસ્પિટલમાં દર્દી દાખલ નથી જેથી હાલના તબક્કે કોવિડ કેર સેન્ટરને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. ઉપરાંત મેડિકલ ઓકસીજન પ્લાન્ટ, ઓકસીજન પાઇપ લાઇન, ઓકસીજન પ્લાન્ટ દવાનો જથ્થો વગેરે એલર્ટ રાખ્યા છે.