અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી પેટ્રોલ પંપો પર એકાએક ડીઝલની અછત જોવા મળી રહી છે. જેમાં વાવાણી ટાણે જ ડીઝલની અછત સર્જાતા ખેડુતો ટ્રેક્ટર લઈને ડીઝલ મેળવવા માટે પંપ પર ભટકી રહ્યા છે. બીજીબાજુ કેટલીક ખાનગી કંપનીઓના પંપ પર કાળા બજારમાં ડીઝલ વેચવાનો કારોબાર ચાલી રહ્યો છે. રાજ્યના પુરવઠા વિભાગના અધિકારીઓને ડીઝલના નિયત કરતા વધુ ભાવ લેવાતા હોવાની ફરિયાદો મળ્યા છતાં કોઈ જ પગલાં લેવાતા નથી.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં કેટલાક ખાનગી કંપનીઓના પંપ ઉપર ગ્રાહકોને લુંટવાનું શરુ કર્યું હોય એમ એક સાથે ડીઝલના ભાવમાં 5 થી 31 રૂપિયાનો વધારો કર્યો છે. હાલ સરકારી પેટ્રોલીયમ કંપનીઓ અને ખાનગી પેટ્રોલિયમ કંપનીના પંપ પર ડીઝલમાં લગભગ 5 થી 31 રૂપિયાનો ભાવ ફેર જોવા મળી રહ્યો છે. અમદાવાદ શહેરમાં ખાનગી પેટ્રોલિયમ કંપનીના પંપ પર ડીઝલનો ભાવ ઐતિહાસિક 125 રૂપિયાની સપાટીને આંબી ગયો છે. જયારે પેટ્રોલનો ભાવ પણ 105થી વધુ નોંધાયો છે. ખાનગી કંપનીના પંપ અને સરકારી પંપ પર મોટો ભાવ ફેર જોવા મળ્યો છે. સરકારી કંપની એચપી, બીપીસીએલ, ઇન્ડિયન ઓઇલમાં ભાવ એક સમાન છે, પરંતુ શેલ, નાયરા અને રિલાયન્સ જેવી ખાનગી કપંનીઓના પેટ્રોલ પંપ પર વધુ ભાવ લેવાઈ રહ્યાં છે. નાયરાના પંપ પર ડીઝલમાં 3 રૂપિયા વધારે લેવામાં આવી રહ્યાં છે. સરકારી કંપનીના પંપ પર ડીઝલ રૂ. 92.26 પ્રતિ લીટરના ભાવથી વેચાઈ રહ્યું છે ત્યારે, નાયરા કંપની ડીઝલના 97.18 રૂપિયા પ્રતિ લીટરના ભાવે ડીઝલ વેચી રહી છે. તો શેલ કંપની ડીઝલ પર ડીઝલ રૂ.125.87 પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે.
ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડિલર્સ એસોસિયેશનના સૂત્રોએ ડીઝલના ભાવ તફાવત વિશે જણાવ્યુ હતું કે, રશિયા-યુક્રેન યુદ્ધની અસર ભારત પર પડી રહી છે. પેટ્રોલિયમની પુરતી સપ્લાય ન હોવાનો કારણે ક્રુડના ભાવ ઉંચકાયા છે. ઓપેક ભાવ ઘટાડવા સહમત ન હોવાથી ભાવ આસમાને પહોંચ્યા છે. પેટ્રોલ પંપ પર ઇંધણની તંગી દુર કરવા સરકારે USO (યુનિવર્સિલ સર્વિસ ઓર્ડર) ની જાહેરાત કરી છે. તેને કારણે જ ખાનગી અને સરકારી કંપનીના પેટ્રોલ પંપ પર ભાવમા તફાવત જોવા મળે છે. સરકારી કંપનીની સરખામણીમાં ખાનગી કંપનીમાં ડીઝલમાં 5 રૂપિયાથી માંડી 31 રૂપિયા જેટલુ મોંઘું છે. રશિયા પાસેથી ભારતે ખરીદેલુ ક્રુડ આવતા હજુ બે મહિનાનો સમય લાગશે. ત્યાં સુધી આવી જ સ્થિતિ રહેશે.