- 50 જેટલા રાબડાં બંધ થતાં ખેડૂતો ચિંતિત,
- શેરડીના વાવેતરમાં ખેડુતોને ખર્ચ પણ નિકળતો નથી,
- રાબડાના સંચાલકો ખેડુતોને એક ટન શેરડીના 2500 ચકવી રહ્યા છે
જૂનાગઢઃ સોરઠ પંથકમાં શેરડીનું વાવેતર પણ સારા પ્રમાણમાં થાય છે. તેના લીધે ગીર વિસ્તારમાં ગોળના રાબડા ધમધમતા હોય છે. ગીરના ઊના, કોડીનાર અને તાલાલામાં ખાંડ ઉદ્યોગ છેલ્લા બે દસકાથી બંધ થયો છે, જેના કારણે તેની જગ્યા ગોળના રાબડાઓએ લીધી છે. જોકે આ વખતે શેરડીના ભાવમાં વધારો થયો છે, પરંતુ શેરડીના ઉત્પાદન પાછળ ખેડૂતોને થઈ રહેલા ખર્ચની સામે પુરતુ વળતર મળતુ નથી. બીજી તરફ ગોળના ઉત્પાદન સાથે સંકળાયેલા મજૂરોની અછતને કારણે પણ રાબડા સંચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.
ગીર વિસ્તારમાં દિવાળી બાદ પારંપરિક રીતે ગોળના રાબડા ધમધમતા થયા છે. ગીર વિસ્તારમાં ઊના કોડીનાર અને તાલાલા વિસ્તારમાં 20 વર્ષ પૂર્વે ખાંડ ઉદ્યોગ ધમધમતો હતો, પરંતુ કાળક્રમે આ વિસ્તારમાં આવેલા ત્રણેય ખાંડ ઉત્પાદન કરતી સહકારી સંસ્થાઓ બંધ થઈ જતા ખેડૂતો અને ખાંડના ઉત્પાદન સાથે સંકળાયેલા કેટલાક ઉદ્યોગકારો ગોળના ઉત્પાદન સાથે જોડાયા છે. શેરડીમાંથી ગોળનું ઉત્પાદન થતા આ વિસ્તારના પારંપરિક કૃષિ ઉદ્યોગને જીવદાન મળ્યું છે. દિવાળી બાદ 150 થી 200 જેટલા ગોળના રાબડા ધમધમતા થયા છે, પરંતુ રાબડાના માલિકોને મજૂરોની અછત અને ખેડૂતોને શેરડીના પ્રતિ ટન બજાર ભાવોથી ચિંતા થઈ રહી છે. ગીર વિસ્તારના રાબડા સંચાલકો દ્વારા પ્રતિ વર્ષે શેરડીના એક ટન બજાર ભાવોમાં બજારની સ્થિતિને ધ્યાને રાખીને ક્રમશઃ વધારો કરવામાં આવે છે. હાલ ગોળના રાબડાના સંચાલકો પ્રતિ એક ટન શેરડીના 2500 થી 2600 રૂપિયા ખેડૂતોને ચૂકવી રહ્યા છે, પરંતુ ખેડૂતોને એક વીઘામાં શેરડીનું ઉત્પાદન કરવા પાછળ સરેરાશ 15 થી 18 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે. આવી સ્થિતિમાં પ્રતિ એક ટન શેરડીનો બજારભાવ ખેડૂતોને પરવડે તેમ નથી. પરંતુ પારંપરિક રીતે શેરડીની ખેતી સાથે સંકળાયેલા ખેડૂતો શેરડીની ખેતી કરવા માટે મજબૂર બની રહ્યા છે. ગોળના બજાર ભાવોમાં પણ પ્રતિ વર્ષ વધઘટ થયા કરે છે જેને કારણે પણ શેરડીના બજાર ભાવો સ્થિર રહેતા નથી.
રાબડાના સંચાલકોના કહેવા મુજબ ગીર વિસ્તારમાં 250 કરતાં વધુ ગોળના રાબડાઓ શેરડીની સિઝનમાં ધમધમતા હોય છે, પરંતુ દિવાળી બાદ આજે 150 થી 200 રાબડા કામ કરતા થયા છે. તેના પાછળ આ વિસ્તારમાં ગોળના રાબડા સાથે સંકળાયેલા પરંપરાગત મજૂરોની અછતને કારણભૂત માનવામાં આવે છે. જેને કારણે 50 કરતાં વધુ ગોળના રાબડા આજે શરૂ થયા નથી. પરંતુ ખરીફ સીઝન પૂરી થયા બાદ મજૂરોની ઉપલબ્ધતા થતા આ રાબડા શરૂ થઈ શકે છે તેવી શક્યતા રાબડા એસોસિએશન દ્વારા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. આજના દિવસે ગોળના એક ડબ્બાનો ભાવ 750 રૂપિયા જોવા મળે છે. આમ, સીઝન જેમ જેમ આગળ વધતી જશે તેમ તેમ ગોળની માંગ અને શેરડીની જરૂરિયાત અનુસાર ગોળના ભાવમાં પણ વધારો કે ઘટાડો થઈ શકે છે. જોકે જો ગોળની બજાર કિંમત દેવ-દિવાળી બાદ ઉંચકાય તો ગોળના ભાવોની સાથે ખેડૂતોને પણ સારી કિંમત મળી શકે છે.