ઉત્તરભારતમાં હિમ વર્ષાને પગલે બરફની ચાદર છવાઈ, જનજીવન ખોરવાયું
નવી દિલ્હીઃ ઉત્તરભારતમાં હિમ વર્ષા પડી રહ્યો છે જેના કારણે અનેક શહેરો અને નગરોમાં જનજવન ખોરવાયું છે. હિમાચલ પ્રદેશમાં હિમ વર્ષા અને વરસાદને પગલે પાંચ રાષ્ટ્રીય ધોરીમાર્ગ સહિત 475 રસ્તાઓ બંધ થયાં છે. જ્યારે જમ્મુના રામબન જિલ્લામાં ભૂસ્ખલનને કારણે જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પરનો ટ્રાફિક ખોરવાયો હતો.
પહાડી વિસ્તારોમાં લાંબી પ્રતીક્ષા બાદ હિમવર્ષા થઈ રહી છે, પરંતુ તે હવે સામાન્ય જનજીવન માટે મુશ્કેલી સર્જી રહી છે. જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હિમવર્ષાને કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું હતું અને ઘણી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. એટલું જ નહીં, વાહનોની અવરજવર માટે વિવિધ રસ્તાઓ બંધ કરવા પડ્યા હતા.
હિમવર્ષાને કારણે શ્રીનગર એરપોર્ટ પર તમામ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી, જ્યારે જમ્મુના રામબન જિલ્લામાં સવારે લગભગ 11.15 વાગ્યે ભૂસ્ખલનને કારણે 270 કિલોમીટર લાંબા જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પરનો ટ્રાફિક લગભગ ચાર કલાક સુધી ખોરવાઈ ગયો હતો.
હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા અને વરસાદ પછી, પાંચ રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત 475 રસ્તાઓ વાહનો માટે બંધ કરી દેવામાં આવ્યા છે. રાજ્યના ઘણા વિસ્તારોમાં દિવસભર આકાશ ગાઢ વાદળછાયું રહ્યું હતું અને ઓછી વિઝિબિલિટીના કારણે વાહનોની અવરજવરને અસર થઈ હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, શિમલામાં 161, લાહૌલ-સ્પીતિમાં 157, કુલ્લુમાં 71, ચંબામાં 69 અને મંડી જિલ્લામાં 46 રસ્તાઓ બંધ છે.
ઉત્તરાખંડમાં રવિવારે ઊંચા વિસ્તારોમાં તાજી હિમવર્ષા અને નીચલા વિસ્તારોમાં વરસાદ બાદ તીવ્ર ઠંડી ચાલુ રહી હતી. ઉત્તરાખંડના બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી, યમુનોત્રી, હેમકુંડ, ઔલી, દેહરાદૂનના ચકરાતા અને ઉત્તરકાશી જિલ્લાના ચૌરાંગીખાલ અને નચિકેતા તાલમાં હિમવર્ષા થઈ હતી.આ સિવાય રાત્રે દેહરાદૂન સહિત રાજ્યમાં ઘણી જગ્યાએ વરસાદ પડ્યો હતો.