યુરોપની કડકાઈના પગલે ભારતમાં મુસ્લિમ ઘૂસણખોરોનો ધસારો થવાની શક્યતા !
સ્વિડનમાં કુરાન બાળવાની ઘટના, ફ્રાન્સમાં સતત ચાર દિવસથી હિંસા, ઑસ્ટ્રિયામાં મસ્જિદો પર તવાઈ, યુકેમાં ગ્રૂમિંગ ગેંગનો અને મુસ્લિમ કટ્ટરતાના ભયના અહેવાલો, ઈટાલીમાં ખુલ્લામાં નમાઝ પઢવા સામે ખરડો…યુરોપમાં કટ્ટર મુસ્લિમો સામે આકરા પ્રતિબંધો તોળાઈ રહ્યા છે, પરંતુ તે ભારત માટે ચિંતાની સ્થિતિ કેમ છે?
(જયવંત પંડયા)
યુરોપમાં અત્યારે શું ચાલી રહ્યું છે? શું યુરોપમાં મુસ્લિમોએ અઘોષિત યુદ્ધ છેડ્યું છે? કે પછી યુરોપે મુસ્લિમો સામે યુદ્ધ છેડ્યું છે? આ પ્રશ્ન ગયા અઠવાડિયામાં લગભગ સમાંતર થયેલી ઘટનાઓના કારણે ઉપસ્થિત થયો છે.
ફ્રાન્સમાં ૨૭ જૂને નાહેલ એમ. નામના ૧૭ વર્ષીય તરુણનું નિરંકુશ કાર ચલાવવા અને પછી કાર પોલીસના કહેવાથી ઊભી નહીં રાખવા બદલ પોલીસે ગોળી મારતાં મૃત્યુ થયું. આ લખાય છે ત્યારે સમાચાર છે કે સતત ચાર દિવસથી ફ્રાન્સ ભડકે બળી રહ્યું છે. અનેક શાળા, ટાઉનહૉલ, દુકાનો વગેરેને આગમાં રાખ થઈ ગયાં છે. સ્ટૉરમાં મુસ્લિમો લૂટફાટ કરતા હોવાના અનેક વિડિયો સૉશિયલ મીડિયામાં ફરી રહ્યા છે. બીબીસી, સીએનએન સહિતનાં મોટાં અને વિશ્વસનીય ગણાતાં મેઇનસ્ટ્રીમ મીડિયામાં નાહેલ એમ.ના પંથનો ઉલ્લેખ નથી. એટલું જ નહીં, નાહેલ પ્રત્યે સહાનુભૂતિ સર્જાય તે રીતનું વૃત્તકથન પણ છે. પરંતુ ટ્વિટર પર એમઍક્સન્યૂઝ અને અમેરિકાની અમેરિકનો પર હુમલા સામે અમેરિકા પાછું મેળવવા લડત આપતી વેબસાઇટ રેઇરફાઉન્ડેશન મુજબ, નાહેલ અલજીરિયાનો મુસ્લિમ યુવાન હતો. તેની સામે ડ્રગ્સ, લાઇસન્સ વગર ગાડી ચલાવવી સહિત ઓછામાં ઓછા પંદર ગુના નોંધાયેલા હતા. પરંતુ બીબીસી અને સીએનએન વગેરેએ તો નાહેલને નિર્દોષ ગણાવી દીધો.
નાહેલની તરફેણમાં લાગેલા બેનરમાં પણ ‘અલ્લાહ તેના પર કૃપા કરે’ લગાવેલું હતું. ફ્રાન્સમાં મુસ્લિમ ગુનેગારોની ધરપકડ થાય કે તેમનું મૃત્યુ થાય તો થતી હિંસાનો ૧૯૭૯થી નોંધાયેલો ઇતિહાસ છે. ફ્રાન્સ ખરા અર્થમાં સેક્યુલર દેશ છે. ત્યાં કટ્ટરતાની સામે કડક પગલાં લેવાય છે. વર્ષ ૨૦૧૧માં જાહેરમાં કોઈ પણ પ્રકારના પડદા (બુરખો, હિજાબ, નકાબ) કરવા પર પ્રતિબંધ મૂકી દેવાયો. વર્ષ ૨૦૧૭માં ફ્રાન્સે ત્રાસવાદ વિરોધી કાયદો ઘડ્યો જેમાં અધિકારીઓને ઘરની અંદર શોધ કરવા, હિલચાલ પર પ્રતિબંધ મૂકવા અને મસ્જિદ વગેરે ઉપાસના સ્થાનોને બંધ કરવાની સત્તા અપાઈ. ફ્રાન્સમાં ‘શાર્લી હેબ્દો’ મેગેઝિને મુસ્લિમોના મોહમ્મદ પયગંબરનાં કાર્ટૂન છાપ્યાં હતાં જેની સામે દુનિયાભરમાં વિરોધ થયો હતો. વર્ષ ૨૦૧૫માં પેરિસમાં મુસ્લિમ ત્રાસવાદીએ હુમલો કરી ૧૨ લોકોને મારી નાખ્યા હતા. વર્ષ ૨૦૧૭માં ફ્રાન્સના લી મા (Le Mans)માં કટ્ટર ઇસ્લામને ઉત્તેજન આપવા માટે એક મસ્જિદને છ મહિના માટે બંધ કરી દેવાઈ હતી.
વર્ષ ૨૦૧૩માં એક મુસ્લિમ મહિલા જાહેર સ્થળમાં બુરખો પહેરીને નીકળી તો પોલીસે તેનું મોઢું જોવા માગ્યું. આનાથી રોષે ભરાયેલા તેના સાથી મુસ્લિમ પુરુષે પોલીસ અધિકારી પર હુમલો કરતાં તેની ધરપકડ કરવામાં આવી. આમાં ખોટું શું હતું? પરંતુ આ ધરપકડથી ઉશ્કેરાઈને મુસ્લિમોએ હિંસા કરી હતી. ૨૦૦૫માં ૧૭ વર્ષના બે મુસ્લિમ તરુણો ફૂટબૉલ મેચ જોઈ રમઝાનમાં રોજું ખોલવા જઈ રહ્યા હતા ત્યારે પોલીસ વાનને જોઈને ભાગ્યા. (હવે ભાગ્યા કેમ તે રામ જાણે!) અને વીજ ઉપ મથકમાં સંતાઈ ગયા. ત્યાં વીજ શૉક લાગવાથી તેમનાં મૃત્યુ થયાં તેમાં હિંસા ફાટી નીકળી હતી.
ઈ. સ. ૧૯૯૫માં પેરિસ અને લિઓનમાં બૉમ્બ ધડાકા કરનાર અલ્જીરિયન ત્રાસવાદી ખાલીદ કેલકલને પોલીસે મારી નાખતાં લિઓનના અનેક પરાંમાં હિંસા ફાટી નીકળી હતી.
ફ્રાન્સના પડોશી યુકેમાં જે થયું તેનાથી ભારતની સ્થિતિ યાદ આવી જશે. ભારતમાં સરકાર કોઈ પગલાં લેવાં જાય અને કૉર્ટ તેના પર પાણી ફેરવી દે તેવું યુકેમાં બન્યું છે. યુકેમાં ઋષિ શૌનક સરકારે સીરિયા, યમન, ઈરાક, ઈરાન, પાકિસ્તાન, સુદાન વગેરે દેશોથી આવેલા શરણાર્થીઓને રવાન્ડા મોકલવા યોજના બનાવી હતી. અને ગત ડિસેમ્બરમાં કૉર્ટે તે યોજનાને કાયદેસર ગણાવી હતી, પરંતુ શરણાર્થીઓ અને માનવાધિકાર સંગઠનોએ તેની સામે અપીલ કરતાં કૉર્ટે તેને ગેરકાયદે ગણાવી હતી ! આમાં સૌથી વધુ અસર મુસ્લિમોને જ પડનાર હતી. આમ, ભારતની જેમ યુકેમાં પણ કૉર્ટમાં મુસ્લિમોની તરફેણ થતી હોય તેવું સ્પષ્ટ લાગે છે. (ભારતમાં લિવ ઇન રિલેશનશિપના કેસમાં મુસ્લિમ યુવક હોય તો કૉર્ટે તેને ગેરકાયદે ગણાવ્યો અને હિન્દુઓના લિવ ઇન રિલેશનશિપને કાયદેસર ગણાવ્યો છે.)
ભારતની જેમ યુકેમાં પણ લવ જિહાદ થાય છે. પરંતુ તેનું નામ ત્યાં આ જે લોકો કરે છે તેના માટે ગ્રૂમિંગ ગેંગ રખાયું છે. બ્રિટિશ ચેનલ જીબી ન્યૂઝે તેના પર એક દસ્તાવેજી ફિલ્મ ‘ગ્રૂમિંગ ગેંગ : બ્રિટેન્સ શૅમ’ બનાવી છે. સગીર ખ્રિસ્તી અને હિન્દુ છોકરીઓ સાથે મિત્રતા કરી તેમને ડ્રગ્સ કે દારૂની લાલચ આપી તેમનું સેક્સ્યુઅલી શોષણ કરાય છે. આની સામે ઋષિ શૌનક સરકારે એક કાર્ય દળ (ટાસ્ક ફૉર્સ) બનાવ્યું છે. યુકેનાં સ્પષ્ટ વક્તા ગૃહ પ્રધાન સુએલા બ્રેવરમેને તો ફોડ પાડીને કહ્યું છે કે પાકિસ્તાનથી આવેલા અને બીજા ગેરકાયદે સ્થળાંતરિતો અંગ્રેજ છોકરીઓનું શોષણ કરે છે અને અધિકારીઓ (પોલીસ, સરકારની સંસ્થાઓ) તથા નાગરિક સમાજ (શિક્ષકો, સામાજિક કાર્યકર્તાઓ) તેની સામે આંખ મિચામણાં કરે છે.
ત્રાસવાદમાં બ્રિટિશરો ન ચાલ્યા જાય તે માટે બ્રિટનની સરકાર ‘પ્રિવેન્ટ’ નામનો કાર્યક્રમ ચલાવે છે. આ કાર્યક્રમની સમીક્ષા પણ થતી રહે છે. આવી એક સમીક્ષાના વૃત્તકથનમાં યુકે સરકારને મુસ્લિમોની કટ્ટરતા અને ખાલિસ્તાની સમર્થકો સામે ચેતવણી આપવામાં આવી હતી.
યુરોપના એક અન્ય દેશમાં જે થયું તેની તો કલ્પના પણ બીજા કોઈ દેશમાં થઈ શકે તેમ નથી. ત્યાં ૨૯ જૂને બરાબર બકરી ઈદના દિવસે જ અને તે પણ મસ્જિદની બહાર એક માણસે કુરાન ફાડ્યું, તેના પર જૂતા માર્યાં અને પછી સળગાવી દીધું ! સ્વીડનની પોલીસે આ કામ માટે પરવાનગી આપી હતી. તેથી એમ કહી શકાય કે સ્વીડનની પોલીસની અનુમતિથી આ કામ થયું ! જ્યારે આ કામ થતું હતું ત્યારે એક સમર્થકે કહ્યું કે ભલે સળગતું.
આ પહેલો બનાવ સ્વીડનમાં નથી. સ્વીડનની પોલીસે કુરાન વિરોધી પ્રદર્શનો માટે અનેક આવેદનોને ફગાવી દીધાં છે. સ્વીડનમાં ૧૬મી સદીથી ઇસ્લામને હિંસક, ક્રૂર અને આક્રમક પંથ તરીકે જોવામાં આવે છે. ૧૬મી સદીના એક ચિત્રમાં પોપ (કેથોલિક ખ્રિસ્તીઓના સર્વોચ્ચ વડા) અને મોહમ્મદ પયગંબર જેમાં તણાયા હતા તે પાણીમાંથી ઈશુ ખ્રિસ્તને બચાવતા સંત ક્રિસ્ટૉફરને દર્શાવાયા છે. મોહમ્મદ પયગંબરનું ચિત્ર કે ફિલ્મ બનાવી શકાતાં નથી. ૨૦૦૩, ૨૦૦૫, ૨૦૧૪ એ વર્ષોમાં સ્વીડનમાં મસ્જિદોને આગ લગાડી દેવાના બનાવો બન્યા હતા. ગયા વર્ષે એટલે કે ૨૦૨૨માં સ્વીડનના અતિ જમણેરી પક્ષ સ્ત્રામ કુર્સે કુરાનને બાળવા સહિતના વિરોધ પ્રદર્શનની યોજના બનાવી હતી. આ પક્ષના નેતા રસમુસ પલુડેને કહ્યું કે તેમણે તે પહેલાં પણ કુરાનની નકલ બાળી હતી અને તેઓ આ કામ ફરી કરશે. જોકે સ્વીડનનાં અલગ-અલગ શહેરોમાં હિંસા ફાટી નીકળતાં પક્ષની આ યોજના પડતી મૂકાઈ હતી.
બકરી ઈદના દિવસે કુરાન સળગાવવાની ઘટનાને જોકે અમેરિકા અને તેના સાથી દેશોના બનેલા સંગઠન ‘નાટો’ના વડાએ એમ કહીને સમર્થન આપ્યું કે આ તો અભિવ્યક્તિની સ્વતંત્રતાનો હિસ્સો છે. ઉલ્લેખનીય છે કે સ્વીડન નાટોમાં પ્રવેશ માટે પ્રયાસ કરે છે.
યુરોપના અન્ય એક દેશ ઑસ્ટ્રિયામાં રાષ્ટ્રપ્રમુખ (ચાન્સેલર) સેબેસ્ટિયન કુર્ઝે વર્ષ ૨૦૧૮માં સાત મસ્જિદો બંધ કરવાની ઘોષણા કરી હતી. જમણેરી ઉપ રાષ્ટ્રપ્રમુખ હૈન્ઝ ક્રિશ્ચિયન સ્ત્રાચેએ કહ્યું હતું કે “આ તો હજુ શરૂઆત છે.” આ પહેલાં વર્ષ ૨૦૧૫માં પંથીય સમૂહોને વિદેશથી નાણાં મેળવવા પર પ્રતિબંધ મૂકતો કાયદો લવાયો હતો.
ઑસ્ટ્રિયાની સરકારને લાગે છે કે ‘રાજકીય ઇસ્લામ’ ઑસ્ટ્રિયા સામે સૌથી મોટા પડકારો પૈકીનો એક છે. આથી વર્ષ ૨૦૨૧માં સરકારે ૬૨૦ કરતાં વધુ મસ્જિદોની સૂચિ બહાર પાડી હતી. તેના સંકલન મંત્રાલય મુજબ, આ પગલું પંથ સામે નહીં, રાજકીય વિચારસરણી સામે છે. ત્યાં મુસ્લિમ બ્રધરહૂડ નામની સંસ્થા સામે પણ તવાઈ લાવવામાં આવી છે.
વર્ષ ૨૦૨૦માં ઑસ્ટ્રિયાના પાટનગરમાં આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટના ટેકેદાર એક મુસ્લિમે ગોળીબાર કરી ઓછામાં ઓછા ચાર જણાને મારી નાખ્યા હતા. તે પછી ઑસ્ટ્રિયાના પ્રમુખ કુર્ઝે કહેલા શબ્દો વિશ્વની દરેક વ્યક્તિએ સાંભળવા જેવા છે, “આ ખ્રિસ્તી અને મુસ્લિમો વચ્ચે, કે ઑસ્ટ્રિયાઈ લોકો અને સ્થળાંતરિતો વચ્ચેનો સંઘર્ષ નથી. આ સંઘર્ષ શાંતિમાં માનતા અનેકાનેક અને ક્રૂરતા અને સભ્યતા વચ્ચે યુદ્ધ ઈચ્છતા થોડા લોકો વચ્ચે છે.”
ઈટાલીમાં પણ અમેરિકા પર થયેલા ત્રાસવાદી હુમલા પછી કટ્ટર ઇસ્લામ સામે જાગૃતિ આવી છે. ટ્યુરિનમાં વીસ વર્ષથી રહેતા મોરોક્કોમાં જન્મેલા એક ઈમામ બૌરકી બૌશતાને ઈટાલીએ વર્ષ ૨૦૦૯માં તગેડી મૂક્યો હતો. તો ૨૦૦૫માં ઈટાલીમાં ઇસ્લામિક કટ્ટરતા પર તડાપીટ બોલાવતાં ૩૦,૦૦૦ મુસ્લિમોની આકરી પૂછપરછ કરવામાં આવી હતી.
તો ૨૯ જૂનના સમાચાર પ્રમાણે, ઈટાલીમાં ૨૦૨૨ની ચૂંટણી પછી જીતીને સત્તામાં આવેલ ‘બ્રધર્સ ઑફ ઇટાલી’ પક્ષે એક ખરડો બનાવ્યો છે. જો તે કાયદો બની જશે તો ઈટાલીમાં ખુલ્લામાં નમાઝ પઢવા પર પ્રતિબંધ આવી જશે.
ટૂંકમાં, હવે યુરોપને ઇસ્લામિક કટ્ટરતાનાં દુષ્પરિણામો સમજાઈ રહ્યાં છે. એટલું જ નહીં, ત્યાં સત્તામાં આ કટ્ટરતાને ડામવાનું વચન આપનાર રાજકીય પક્ષો સત્તામાં આવી રહ્યા છે. આ બધું જોતાં, આ શરણાર્થીઓ અને કટ્ટર મુસ્લિમો ભારત તરફ દોટ મૂકે તો નવાઈ નહીં કારણકે આ શરણાર્થીઓ ઇસ્લામિક દેશમાં જતા નથી. જ્યાં તેમને સરકારી લાભો મળે ત્યાં જ તેઓ જાય છે. ચીન-જાપાન વગેરે દેશો પણ મુસ્લિમોને બે હાથે આવકારતા નથી. ભારતના સીમાડા ખુલ્લા હોય છે. બાંગ્લાદેશીઓ અને રોહિંગ્યા જે રીતે ઘૂસી ગયા છે અને તેમને બહાર કાઢવામાં મત બૅંકનું રાજકારણ અને માનવાધિકાર સંગઠનો નડે છે.
ભારતમાં ભાજપ જેવા હિન્દુવાદી પક્ષે પણ પોતે મુસ્લિમોની સુખાકારી માટે કેવાં પગલાં લે છે તે અમેરિકા જેવા દેશોના ઠપકાથી બચવા અને મતો મેળવવા કહેવું પડે છે. અનેક ગુલબાંગો છતાં તેના નવ વર્ષના શાસનમાં બાંગ્લાદેશીઓ અને રોહિંગ્યાઓને તેમના દેશ પાછા મોકલાયા નથી. તો હવે સીરિયા, યમન, અલ્જીરિયા, ઈરાન, ઈરાક, મોરક્કો વગેરે દેશોમાંથી મુસ્લિમ શરણાર્થીઓનો ધસારો ભારત તરફ થાય તેવી પૂરી સંભાવના છે. ભારતમાં અનેક રાજ્યમાં વિપક્ષી સરકારો આવા ઘૂસણખોરોને આવકારવા તત્પર હોય છે. ભાજપ પણ કેન્દ્રમાં યાવત્ ચંદ્ર દિવાકરો શાસન કરવા અમરપટ્ટો લખાવીને નથી આવ્યો. આથી ભારત માટે આવી સંભવિત સ્થિતિ ચિંતાજનક બની રહેશે તેમ લાગે છે.