કોરોનાની દહેશતને પગલે મનસુખ માંડવિયાએ દેશહિતમાં “ભારત જોડો યાત્રા” હાલ મોકુફ રાખવા રાહુલ ગાંધીને અપીલ કરી
અમદાવાદઃ ભારતના પડોશી દેશ ચાઈનામાં ફરી એકવાર કોરોનાએ માથુ ઉચક્યું છે. જેથી ચીનમાં તંત્ર દ્વારા આકરા નિયંત્રણો લાદવામાં આવ્યાં છે. આ ઉપરાંત દુનિયાના વિવિધ દેશોમાં પણ કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ભારતમાં પણ કોરોનાના કેસમાં વધારો થવાની ભીતિ સેવાઈ રહી છે. દરમિયાન કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને પત્ર લખીને કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને ભારત જોડો યાત્રા હાલ મોકુફ રાખવા અપીલ કરી છે.
તેમજ કહ્યું કે, ભારત જોડો યાત્રામાં કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવામાં આવે, જો કોવિડ પ્રોટોકોલનું પાલન શક્ય ના હોય તો ભારત જોડો યાત્રા દેશહિતમાં હાલ પુરતી મોકુફ રાખવી જોઈએ.
મનસુખ માંડવિયાએ રાહુલ ગાંધીને પત્ર લખીને કહ્યું હતું કે, રાજસ્થાનમાં ચાલી રહેલી ભારત જોડો યાત્રામાં કોવિડ ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવું જોઈએ, માસ્ક અને સેનીટાઈઝરનો ઉપયોગ કરવો જોઈએ. યાત્રામાં રસી લીધી હોય તેમને ભાગ લેવા દેવા જોઈએ, તેમજ યાત્રામાં જોડાયા પહેલા અને બાદમાં જે તે વ્યક્તિને આઈસોલેટ કરવા જોઈએ.
રાજસ્થાનના સાંસદ પીપી ચૌધરી, નિહાલ ચંદ, દેવજી પટેલે આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાને પત્ર લખીને ભારત જોડો યાત્રાને કારણે કોરોનાના કેસમાં વધારો થવાની દહેશત વ્યક્ત કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે, દેશમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. બીજી તરફ રાજસ્થાનમાં ભારત જોડો યાત્રા ચાલી રહી છે. જેમાં દેશના વિવિધ રાજ્યોના નેતાઓ ભાગ લઈ રહ્યાં છે. અન્ય રાજ્યમાંથી મોટી સંખ્યામાં લોકો આવતા હોવાથી રાજસ્થાનમાં પણ કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થવાનો ભય છે.