વેબ સિરિઝના ટ્રેન્ડના લીધે મલ્ટિપ્લેક્સ-થિયેટરોને ફિલ્મ જોવા પુરતા દર્શકો મળતાં નથી
અમદાવાદઃ રાજ્યમાં તમામા નાના મોટા શહેરોમાં સિનેમા ગૃહોનો એક જમાનો હતો. તે જમાનામાં મોબાઈલ ફોન કે લેપટોપ નહોતા. શહેરીજનો પોતાના પરિવાર સાથે સિનેમા જોવા માટે જતાં હતા. શનિ-રવિમાં તો સિનેમા ગૃહો હાઉસફુલ જતાં હતા. ત્યારબાદ મલ્ટિપ્લેક્સનો જમાનો આવ્યો. અમદાવાદમાં 100 જેટલા સિનેમાં ગૃહો હતા.તેમાં કોમર્શિયલ બિલ્ડિંગો બની ગયા. હવે કોરોનાના કાળમાં મલ્ટિપ્લેક્સ બંધ રહ્યા બાદ હવે મલ્ટિપ્લેક્સને પુરતા દર્શકો મળતા નથી.
રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયા બાદ સરકારે ક્રમશઃ નિયંત્રણો ઉઠાવી લીધા હતા. ત્યાર બાદ તબક્કાવાર વેપાર ધંધા શરૂ કરવામાં આવ્યાં હતાં. જેમાં સિનેમા પણ શરૂ કરાયા હતાં. એ સમયે નવી ફિલ્મ નહીં હોવાથી દર્શકો મળતા નહોતા. પરંતુ હવે સરકારે વધુ છુટછાટો આપી દેતા ફરીવાર સિનેમા શરૂ થયાં છે અને નવી ફિલ્મ પણ રીલિઝ થવા માંડી છે. થિયેટરના સંચાલકો નવી ઓફરો પણ આપી રહ્યાં છે. તે છતાંય સિનેમા હોલમાં માંડ 10 ટકા દર્શકો જોવા મળી રહ્યાં છે. તે ઉપરાંત નવા વર્ષમાં સિનેમામાં સામાન્ય દિવસોમાં ટીકિટો નથી મળતી જ્યારે આ વખતે માંડ 10 ટકા બુકિંગ થયું હોવાનું મલ્ટિપ્લેક્સના સંચાલકો જણાવી રહ્યા છે.
શહેરના મલ્ટિપ્લેક્સના સંચાલકોએ જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણ શરૂ થયું તે પહેલાં થિયેટરમાં તહેવારો અને વિકેન્ડમાં ખૂબ જ ભીડ રહેતી હતી. થિયેટર ફૂલ થઈ જતાં અને ટિકીટોના ભાવ પણ ઉંચા રહેતા હતાં. ત્યારે હવે કોરોનાકાળ બાદ ફરીવાર થિયેટરો શરૂ થયાં ત્યારે ખૂબજ ઓછા લોકો ફિલ્મ જોવા માટે જઈ રહ્યાં છે. એક ફિલ્મ જોવાની ટિકીટોના ભાવ પણ ખૂબજ નીચા રાખવામાં આવ્યાં છે. કોરોનામાં થિયેટરો બંધ રહેતાં લોકોએ ઘરે જ વેબસિરિઝ જોવાનું શરૂ કર્યુ હતું. આ ટ્રેન્ડ હજી વધુ પ્રમાણમાં જામી રહ્યો છે. જેના કારણે થિયેટરને દર્શકો નથી મળતાં. ફરીવાર થિયેટરો શરૂ થતાં ફિલ્મ જોવા માટેની ટિકીટોના ભાવ ખૂબજ ઓછા રાખવામાં આવ્યાં છે. તે ઉપરાંત કેટલીક ઓફરો પણ દર્શકોને આપવામાં આવી રહી છે. તે છતાંય હજી 10 ટકા લોકો જ ફિલ્મ જોવા માટે આવી રહ્યાં છે. તહેવારોના દિવસો હોવા છતાં પણ હજી એડવાન્સ બુકિંગ નથી મળી રહ્યું. કોરોના શરૂ થયો ત્યારથી થિયેટરની આ સ્થિતિ છે. થિયેટરનો મેન્ટેનેન્સ અને માણસો પાછળનો ખર્ચો કાઢવો પણ અઘરો સાબિત થયો છે.