અમદાવાદઃ ફી રેગ્યુલેશન કમિટી અમદાવાદ ઝોનના એફઆરસીના જજની જગ્યા અંદાજે ચાર મહિનાથી ખાલી છે. ચેરમેનની અવેજીમાં કમિટીની બેઠક ન મળતી હોવાથી સ્કૂલોના ફાઇનલ ફીના ઓર્ડર થયા નથી, જેથી સત્ર પૂરૂ થવા આવ્યું છતાં 150 કરતાં વધુ સ્કૂલોની ફી નક્કી થઈ ન હોવાથી સ્કૂલોએ આવતા વર્ષે સરભર કરવાનો પણ સમય આવી શકે છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ફી રેગ્યુલેશન કમિટી અમદાવાદ ઝોનના ચેરમેન ન હોવાથી સ્કૂલોની ફાઇનલ ફી નક્કી ન થવાને કારણે ઘણી સ્કૂલોએ પ્રોવિઝનલ ફી ઉઘરાવવાની શરૂઆત કરી છે. બીજી તરફ શિક્ષણ વિભાગ ચેરમેનની પસંદગીની પ્રક્રિયા ચાલુ હોવાનું જણાવી રહ્યા છે, પરંતુ લાંબા સમયથી ચેરમેનની જગ્યા ખાલી હોવાથી ઘણી સ્કૂલોની પ્રોવિઝનલ ફી નક્કી થયા બાદ ફાઇનલ ફી નક્કી થઇ શકી નથી, કારણ કે ઘણી સ્કૂલોએ પ્રોવિઝનલ ફીના ઓર્ડર બાદ વાંધા અરજી દાખલ કરી છે, જેનો નિર્ણય ચેરમેનની અધ્યક્ષતમાં કમિટીના સભ્યો દ્વારા લેવાય છે. પરંતુ હાલમાં ચેરમેનની જગ્યા ખાલી હોવાથી નિર્ણય થયા હોવા છતા પણ સ્કૂલોને ઓર્ડર મોકલી શકવાની સ્થિતિમાં નથી, કારણ કે ચેરમેન વગરના ઓર્ડરને ભવિષ્યમાં કોર્ટમાં પડકારાય તો મુશ્કેલી ઊભી થઈ શકે છે. કમિટીમાં હાલમાં નવી મંજૂરી મળેલી સ્કૂલો ઉપરાંત જે સ્કૂલોએ ગુજરાત બોર્ડમાંથી સીબીએસસઈ બોર્ડે સ્વીકાર્યું હોય તેવી સ્કૂલોની ફી અટકી છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, ફી રેગ્યુલેશન કમિટી, અમદાવાદ ઝોનના ચેરમેનની જગ્યા ભરવાની પ્રકિયા ચાલુ હોવાનું શિક્ષણ વિભાગના અધિકારીઓ કહી રહ્યા છે. એટલે નવા શૈક્ષણિક સત્ર પહેલા નિમણુંક થઈ જશે. તેવી શક્યતા છે. (File photo)