Site icon Revoi.in

લગ્નસરાની મોસમને લીધે ફુલોની માગ વધી, વેલેન્ટાઈન માટે ગુલાબના એડવાન્સ ઓર્ડર મળ્યાં

Social Share

અમદાવાદઃ ઉત્તરાણથી કમુરતા ઉતરતા લગ્નગાળાની સીઝન શરૂ થઈ હતી. જેમાં ફેબ્રુઆરીમાં શૂભ મૂહુર્તો વધુ હોવાથી હાલ ધૂમ લગ્નો યોજાય રહ્યા છે. પાર્ટી પ્લોટ્સ, મેરેજહોલ, અને કેટરિંગ, અને ડીજે અગાઉથી જ બુક થઈ ગયા છે. ઉપરાંત અમદાવાદ સહિત મહાનગરોમાં ફુલોની માગ પણ વધી ગઈ છે. હાલ લગ્નસરાની સિઝન તેમજ વેલેન્ટાઈન ડે નજીક આવતા ફૂલોના વેચાણમાં વધારો નોંધાયો છે. લગ્નસરાની સિઝનને લઇ ફૂલના વેચાણમાં તેજી જોવા મળી છે. લગ્નમાં વાપરવામાં આવતા ગુલાબ, સેંવતી, ગોટા, જરબેરા, ડચ ગુલાબના હાર તેમજ દુલ્હન માટે ખાસ જિપ્સો વેણીના વેચાણમાં વધારો નોંધાયો છે. ફૂલોના ભાવ અને શણગારના ખર્ચમાં 20 ટકા સુધીનો વધારો થયો છે.

અમદાવાદમાં જમાલપુર ફુલ બજારના વેપારીઓના જણાવ્યા મુજબ લગ્નની જાનના કાફલામાં કાર અને અન્ય વાહનોના શણગાર માટે વપરાતા ફૂલો અને વિવિધ વસ્તુઓના વેચાણમાં ઉછાળો આવ્યો છે. લગ્ન ઉપરાંત હવે વેલેન્ટાઇન ડે નજીક આવતા ફૂલોના ભાવ વધ્યા છે. ગુલાબની વિવિધ વેરાયટીના પ્રતિ ફૂલોનો ભાવ રૂા. 20 લઇને રૂા. 100 સુધી મળી રહ્યા છે.  ગુલાબની સાથે બીજા ફૂલો પણ મોંઘા બન્યા છે.  છેલ્લા 20 વર્ષથી ફુલોનું વેચાણ કરતા વેપારીએ કહ્યું હતું કે. હાલ લગ્નસરા અને વેલેન્ટાઇન ડે નજીક હોવાથી ફુલોની માગ વધી છે. જરબેરા ફુલ બે દિવસમાં બગડી જાય છે. જેથી કરીને ઓર્ડર પ્રમાણે મગાવવામાં આવે છે. લગ્નસરાની સિઝન નીકળતા ગુલાબ, ગોટા, સેંવતીના ફુલના વેચાણ વધ્યું છે.  છેલ્લા પાંચ વર્ષની સરખામણીએ ગુલાબમાં રૂા. 120 તથા ગલગોટામાં રૂા. 90નો વધારો જોવા મળ્યો છે. સામાન્ય દિવસોમાં એક ગુલાબના રૂા. 20થી 30 તથા ગુલાબના હારના રૂા. 50થી 60 લેવામાં આવતા હોય છે. પરંતુ લગ્ન અને ધાર્મિક તહેવારના સમયગાળામાં ફુલોના ભાવો ડબલ થઇ જતાં હોય છે.

ફુલો અને ગાડી શણગારનો સામાન વેચતા વેપારીએ જણાવ્યું હતું કે,  ધાર્મિક પ્રસંગો અને લગ્ન સિઝનમાં લાખો રૂપિયાનો ફુલોનો વેપાર થતો હોય છે. આ વર્ષે  પ્રતિકૂળ વાતાવરણને લીધે ફુલોના ઉત્પાદનમાં ઘટાડો થયો છે. રાજ્યભરમાં મોટા પ્રમાણમાં લગ્નોની સિઝનને લઇને ફુલ બજારમાં તેજીનો માહોલ જોવા મળ્યો છે. છેલ્લા ત્રણ વર્ષમાં ફુલોના ભાવમાં વધારો નોંધાયો છે. લગ્ન પ્રસંગે વિવિધ ડેકોરેશન તથા વરરાજાની ગાડી શણગારવા ઇંગ્લિશ ફુલોનો ઉપયોગ કરવામાં આવે છે. એક ગાડી શણગારનો ખર્ચ રૂા. 2500થી 3000નો થતો હતો. તેમાં રૂા. બે હજારનો વધારો જોવા મળ્યો છે.