અમદાવાદઃ શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે કાલે રવિવારે 19 નવેમ્બરના રોજ ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપનો ફાઇનલ રોમાંચક મુકાબલો યોજાશે. ત્યારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના આ મહાજંગને નિહાળવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સેલિબ્રિટીઝ તેમજ અનેક ઉદ્યોગપતિઓ પણ આવશે. તેના લીધે અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટ પર 100 જેટલા ચાર્ટર્ડ પ્લેન લેન્ડ થવાના હોવાથી એરપોર્ટ પર પાર્કિંગ માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જો પાર્કિંગ માટેની જગ્યા ફુલ થઈ જશે તો ચાર્ટર્ડ પ્લેનને વડોદરા અને રાજકોટના એરપોર્ટ પર પાર્કિંગની સુવિધા આપવામાં આવશે. એરપોર્ટ ઓથોરિટી દ્વારા તમામ આગોતરી તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
અમદાવાદમાં વર્લ્ડકપ ફાઈનલ ક્રિકેટ મેચને લીધે ક્રિકેટરસિયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારી આ રોમાંચક મેચને નિહાળવા માટે રવિવાર સવારથી જ સેલિબ્રિટીઝનું અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટ પર આગમન થઈ જશે. મોટાભાગના સેલિબ્રિટીઝ ચાર્ટર્ડ પ્લેનમાં આવવાના હોવાથી એરપોર્ટ ઓથોરિટીએ પાર્કિંગ માટેની વ્યવસ્થા કરી દીધી છે. સરદાર પટેલ એરપોર્ટ પર 30-40 જેટલાં ચાર્ટર્ડ પ્લેન પાર્ક કરી શકાય એવી વ્યવસ્થા છે. આ ઉપરાંત જે પણ ચાર્ટર્ડ પ્લેન આવે એને નજીકના એરપોર્ટ પર મોકલવામાં આવે છે. 19 નવેમ્બરની મેચ જોવા આવનારા VVIP અને સેલેબ્સના ચાર્ટર્ડ પ્લેનને સુરત, રાજકોટ અને વડોદરામાં પાર્કિંગની સુવિધા આપવામાં આવી છે. સામાન્ય રીતે જે પણ VVIP આવતા હોય તેમને અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચાડીને ચાર્ટર્ડ પ્લેન પરત ફરતાં હોય છે.
સૂત્રોના કહેવા મુજબ અમદાવાદના આંગણે રમાનારી ફાઈનલ ક્રિકેટ મેચ જોવા માટે ઉદ્યોગપતિ મુકેશ અંબાણી, લક્ષ્મી મિત્તલ, ગૌતમ અદાણી, જિંદાલ ગ્રુપ સહિતના VVIP ઉપરાંત બોલિવૂડ સ્ટાર આવે એવી પૂરી શક્યતા છે. એરપોર્ટ ટર્મિનલ પર VVIP માટે ખાસ લાઉન્જની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. સામાન્ય રીતે અગાઉથી જ હોટલ કે સ્ટેડિયમ ખાતે પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે.