નવી દિલ્હીઃ દેશમાં ચોમાસુ હવે ધીમે-ધીમે આગળ વધી રહ્યું છે દરમિયાન ઉત્તર-પૂર્વ ભારતમાં ચોમાસુ સક્રિય બન્યું હોવાથી અનેક વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. દિલ્હી, હિમાચલપ્રદેશ, ઉત્તરાખંડ અને મુંબઈ સહિત દેશના અનેક રાજ્યોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. દરમિયાન આગામી બે દિવસમાં મધ્યપ્રદેશ સહિત 25 રાજ્યોમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અત્યાર સુધીમાં ભારે વરસાદના કારણે પાંચ રાજ્યોમાં 16 વ્યક્તિઓના મૃત્યુ થયાનું જાણવા મળે છે.
હવામાન વિભાગએ સોમવારે જણાવ્યું હતું કે આગામી બે દિવસ સુધી મધ્યપ્રદેશ સહિત 25 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. દેશભરમાં વરસાદને કારણે પાંચ રાજ્યોમાં 16 લોકોએ જીવ ગુમાવ્યા હતા. રાજસ્થાનમાં વીજળી પડવાની અલગ-અલગ ઘટનાઓમાં 4 લોકોએ જીવ ગુમાવ્યા હતા. દરમિયાન મુંબઈમાં, બે ઈમારતોના ભાગો ધરાશાયી થતાં છ લોકોનાં મોત થયાં હતાં, જ્યારે દિલ્હી રેલવે સ્ટેશન પર ઈલેક્ટ્રિક પોલથી વીજ કરંટ લાગતાં એક મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.
ઉત્તરાખંડના ઘણા ભાગોમાં વરસાદને કારણે ત્રણ લોકોના મોતના અહેવાલ છે. જ્યારે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં દિવાલ ધરાશાયી થવાથી બે લોકોના મોત થયા છે. હિમાચલ પ્રદેશના સોલન જિલ્લામાં વાદળ ફાટ્યું છે. મંડી જિલ્લામાં 200 લોકો પૂરમાં ફસાયા છે. મંડી-કુલુ અને ચંદીગઢ-મનાલી નેશનલ હાઈવે બ્લોક થવાને કારણે સેંકડો વાહનો ફસાયેલા છે. ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે બદ્રીનાથ હાઈવે ધોવાઈ ગયો છે. સીએમ પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે ખરાબ હવામાનના કારણે કેદારનાથ યાત્રા રોકી દેવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઝારખંડ, હિમાચલ, ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીર, મધ્યપ્રદેશ, કોંકણ-ગોવા, છત્તીસગઢ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ, દિલ્હી, પૂર્વ રાજસ્થાન, ગુજરાત, મધ્ય મહારાષ્ટ્ર, વિદર્ભ, કોસ્ટલ કર્ણાટક અને કેરળમાં આજે અને આવતીકાલે બે દિવસ ભારે વરસાદ પડી શકે છે.