અમદાવાદઃ ગુજરાતમાં આગામી 7મી મેના રોજ લોકસભાની ચૂંટણી યોજાશે. મતદાનના દિવસે તાપમાનનો પારો 43થી 44 ડિગ્રી રહેવાની શક્યતા છે. ચૂંટણી પંચ દ્વારા વધુને વધુ મતદાન થાય તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બપોરના ટાણે મતદાનને ગરમીને લીધે અસર પડશે. એટલે સવારે 10 વાગ્યા સુધીમાં વધુ મતદાન થાય તે જરૂરી છે. અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પણ ચૂંટણી પંચની સાથે રહીને તેની સુચના મુજબ તૈયારીઓ કરવામાં આવી રહી છે. મતદાન અગાઉ એએમસીના સ્ટાફને મતદારો પાસે જઈ મતદાન કરવા અંગે સંકલ્પ લેવડાવતી પત્રિકા આપવાની ફરજ સોંપવામાં આવી છે. ઉનાળાની ગરમીમાં મતદાન હોવાને લઈ શહેરના તમામ મતદાન મથકો ખાતે મેડિકલ કિટ સાથે પેરામેડિકલ સ્ટાફને મતદાનના કલાક દરમિયાન હાજર રાખવામાં આવશે. એટલે કે દરેક મતદાન બુથ પર મેડિકલ ટીમને હાજર રખાશે.
ગુજરાતમાં આગામી તા. 7મીમેના રોજ અસહ્ય ગરમીમાં મતદાન યોજાશે. અસહ્ય તાપમાનને લીધે મતદાન મથક ઉપર કોઈપણ મેડિકલ ઈમરજન્સી થાય તો તેના માટે એએમસીના મેડિકલ સ્ટાફને હાજર રાખવામાં આવશે. તમામ મતદાન મથકો ઉપર એક એક ટીમ મૂકવામાં આવશે. તમામ અર્બન હેલ્થ સેન્ટરો અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટરો ઉપર મતદાનના કલાકો સમય ડોક્ટર હાજર રહેશે, જેથી કોઈ ઇમર્જન્સી સર્વિસ થાય તો તાત્કાલિક સારવાર આપી શકાય, ગરમીને લીધે મતદાન ઓછું થવાની શક્યતા હોવાથી તંત્ર દ્વારા વધુ મતદાન થાય એવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મતદાનમાં જાગૃતિ આવે તેને લઈ શહેરમાં 48 વોર્ડમાં રહેતા મતદારો સુધી જઈ સંકલ્પ લઈએ સહ પરિવાર મતદાન કરીશું એ શીર્ષક હેઠળ તૈયાર કરવામાં આવેલી સંકલ્પ પત્રિકા વહેંચવા તેમજ મતદાન કરવા અંગેનો સંકલ્પ લેવડાવવા મ્યુનિ. હેલ્થ, ગુમાસ્તાધારા વિભાગથી લઈને અન્ય વિભાગોમાં ફરજ બજાવતા સ્ટાફને જવાબદારી આપવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલ બોર્ડના શિક્ષકોને પણ ચૂંટણીની જવાબદારી સોંપવામાં આવી છે. (file photo)