1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કપાસના અસમતોલ ભાવને કારણે માત્ર 50 ટકા જીનિંગ મિલો કાર્યરત, ઉત્પાદનમાં અડધોઅડધ ઘટાડો
કપાસના અસમતોલ ભાવને કારણે માત્ર 50 ટકા જીનિંગ મિલો કાર્યરત, ઉત્પાદનમાં અડધોઅડધ ઘટાડો

કપાસના અસમતોલ ભાવને કારણે માત્ર 50 ટકા જીનિંગ મિલો કાર્યરત, ઉત્પાદનમાં અડધોઅડધ ઘટાડો

0
Social Share

રાજકોટઃ રાજ્યમાં ગત વર્ષે કપાસના પાકના સારા ભાવ ઉપજ્યા હોવાથી આ વખતે ફરીફ સીઝનમાં ખેડુતોએ કપાસનું મોટા પ્રમાણમાં વાવેતર કર્યું હતું. ત્યાર બાદ શરૂઆતમાં કપાસના સારા ભાવ ઉપજ્યા હતા. ત્યારબાદ ભાવમાં ઘટાડો થયો હતો. આમ સીઝનમાં કપાસના અસમતોલ ભાવ રહ્યા હતા. તેના લીધે જીનિંગ મિલોની હાલત કફોડી બની હતી. હાલ પણ જિનિંગ મિલો ડિસ્પેરિટીનો સામનો કરી રહી હોવાથી પચ્ચાસ ટકા જેટલી જિનો  રૂ બનાવી શકે છે. મોટાભાગના જિનો બંધ છે અને જે ચાલુ છે તે ઓછી ક્ષમતાથી ચાલી રહ્યા છે. ગુજરાતની યાર્ન મિલો હવે ડિસ્પેરિટીમાંથી બહાર આવી ગઈ છે પણ નહીં નફો, નહીં નુકસાન જેવી સ્થિતિમાં છે.

સૌરાષ્ટ્ર જિનર્સ એસોસિયેશનના સૂત્રોએ જણાવ્યું હતું કે, કપાસની આવકનું દબાણ સર્જાતું નથી પરિણામે ભાવ ઉંચા રહે છે અને જિનિંગ મિલોને ડિસ્પેરિટીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સ્થિતિમાં જિનો ચલાવવા આર્થિક રીતે પોસાય એમ નથી. ગુજરાતમાં 550 કરતા વધારે જિનો છે. એમાંથી આશરે 50-60 ટકા જિનોએ કામકાજ ચાલુ કર્યા છે. જે ચાલુ છે એમાં 24 કલાકને બદલે 12 કલાક અને 12 કલાક ચાલતા હતા તે છ કલાક કામકાજ કરી રહ્યા છે. સપ્તાહમાં એક કે બે દિવસ બંધ પણ રાખવા પડે છે. ખેડૂતોને કપાસનો ભાવ મણે રૂ. 2000 મળે તેવી અપેક્ષા છે એટલે પુરવઠો બજારમાં લવાતો નથી. પુરવઠાની ખેંચને લીધે કપાસ ભાવ ઉંચો બોલાય છે. જે તે ભાવથી કપાસ ખરીદીને ગાંસડી બાંધવાનું પોસાણ નથી. જ્યારે ખેડૂતોની દલીલ એવી છે કે, હવે ઉત્પાદન ખર્ચ વધી ગયું છે એટલે બે હજારના મથાળા નીચે કપાસ વેંચવો પોસાય એમ નથી. હાલમાં જે ભાવવધારો થયો છે એ માત્ર રાહત આપનારો છે. ખેડૂતોને વળતર છૂટતા નથી.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, કપાસનો ભાવ દસેક દિવસ પૂર્વે ઘટીને રૂ. 1600 સારા માલમાં થઈ ગયો હતો. જોકે ત્યાંથી એકાએક વધીને ફરી રૂ. 1800ના મથાળે પહોંચી ગયો છે. કપાસનો ભાવ ઘટવાને લીધે એક તબક્કે જિનોને પડતર લાગે તેમ હતું પણ ભાવ બે દિવસ ટક્યો નહીં અને તેજી થઈ જતા ઉદ્યોગની આશા પર પાણી ફરી વળ્યું હતું. સંકર ગાંસડીનો ભાવ ખાંડીએ રૂ.63,000ની સપાટીએ પહોંચી ગયો છે. ગયા મહિનામાં ઘટીને રૂ. 55,500ના ભાવ થઈ ગયા હતા. ભાવ વધવાને લીધે કોઈ ફાયદો મળ્યો નથી, કારણ કે કપાસનો ભાવ પણ ઉંચકાયો છે. જિનર્સના કહેવા મુજબ  કપાસના ભાવ અને રૂની ગાંસડીના ભાવને તાલમેલ નથી એટલે અત્યારે રૂ બનાવાય તો રૂ.2000-2500ની ડિસ્પેરિટી ખમવાની આવે છે. વૈશ્વિક બજારમાં રૂનો ભાવ સરેરાશ રૂ. 52-53 હજાર આસપાસ ચાલે છે એના કરતા ભારતનો ભાવ ખાસ્સો ઉંચો હોવાથી નિકાસમાં પણ સોદા થતા નથી. યાર્ન મિલોની હાલત પણ અગઉ જિનો જેવી હતી જોકે હવે એમાં સુધારો થયો છે. ગુજરાતમાં 100 કરતા વધારે યાર્ન મિલો છે. અગાઉ 70 ટકા જેટલી જ ચાલુ હતી પણ હવે બધી યાર્ન મિલો શરૂ થઈ ગઈ છે અને ડિસ્પેરિટીમાંથી પણ બહાર આવી ગઈ છે. હવે ઉત્પાદન ક્ષમતામાંથી આશરે 80 ટકા વપરાવા પણ લાગી છે. યાર્ન મિલોને રૂ. 63 હજારમાં ખરીદેલું રૂ યાર્ન બનાવવામાં વાપરવું પોસાતું નથી. યાર્ન બને તો તે બજાર ભાવમાં જ પડે છે છતાં અગાઉ નુકસાની જતી તે અટકી ગઈ છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code