Site icon Revoi.in

ગુજરાતમાં પ્રતિકૂળ હવામાનને લીધે કેરીના પાકને અસર, પખવાડિયા બાદ આવકમાં વધારો થશે

Social Share

અમદાવાદઃ ઉનાળાના પ્રથમ ગણાતા ફાગણ મહિનાની વિદાય અને ચૈત્ર મહિનાના આગમનને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે વાતાવરણમાં પલટો આવતા કેટલાક વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. જેના લીધે રવિપાકને નુકશાનની ભીતી ખેડુતો સેવી રહ્યા છે. દરમિયાન કેરીના પાકને પણ નુકશાન થયું છે. પ્રતિકૂળ હવામાનને કારણે કેરીની આવકમાં પખવાડિયા બાદ જ વધારો થાય તેવી શક્યતા છે. ઉપરાંત કેરીના ઉત્પાદનમાં ઘટાડાને કારણે ભાવ પણ વધુ રહે તેવી શક્યતા છે.

સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં મોવઠાને લીધે કેસર કેરીના પાક પર અસર થઈ છે.માવઠાને લીધે કેસર કેરીની આવક 15 દિવસ મોડી પડી શકે છે. સામાન્ય પણે માર્ચના અંત સુધીમાં બજારમાં કેસર કેરીની આવક શરૂ થઈ જતી હોય છે. ફ્રૂટ માર્કેટના વેપારીઓના કહેવા મુજબ  ગુજરાત ઉપરાંત દેશના અનેક ભાગોમાં કમોસમી વરસાદને લીધે કેસરીના પાક પર પણ અસર પડી છે. હાલમાં રત્નાગીરી હાફૂસ, કેરળની હાફૂસ, પાયરી, સુંદરી અને બદામ કેરીની આવક ધીરે ધીરે શરૂ થઈ છે. અને એપ્રિલના પહેલા સપ્તાહથી સારી કેસરની આવક શરૂ થઈ જશે. જો કે, માવઠાને કારણે પાક ઓછો ઉતરવાની ધારણા હોવાથી હાલ કેરીના ભાવ ઊંચા બોલાય છે.

નરોડા ફ્રુટના જથ્થાબંધ વેપારીઓના જણાવ્યા મુજબ સામાન્ય પણે સિઝનમાં વિવિધ જાતની કેરીની રોજની 40થી 45 ટ્રક આવક થતી હોય છે. તેના બદલે હાલ રોજ માંડ 4થી 5 ટ્રક કેરી આવે છે. રત્નાગીરી હાફૂસનો બે ડઝનનો ભાવ 1500થી 1700 છે પરંતુ છૂટક બજારમાં રૂ.2 હજારે વેચાય છે. હજુ કેસરની આવક પૂરતા પ્રમાણમાં નહીં થઈ હોવાથી ગત વર્ષની સરખામણીએ ભાવ 25થી 30 ટકા વધુ ચાલે છે. જૂનાગઢ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી એકવાર કેસર કેરીની આવક મોટાપાયે શરૂ થશે પછી ભાવ સપાટી આપોઆપ જળવાઈ રહેશે.

વેપારીઓના કહેવા મુજબ ખરાબ હવામાનના કારણે સમગ્ર દેશમાં કેરીનું ઉત્પાદન 15 દિવસ મોડું ચાલી રહ્યું છે. સામાન્ય રીતે માર્ચના અંતથી કેરીની આવક શરૂ થઇ જાય છે અને બજારમાં વેચાવા લાગે છે. હાલમાં કેરીની આવક ઓછી હોવાના કારણે ભાવમાં વધારો છે પરંતુ 1 એપ્રિલથી આવક શરૂ થતાં ભાવમાં 30થી 35 ટકાનો ઘટાડો થશે. સામાન્ય સંજોગોમાં આવતા જથ્થા સામે હાલ માત્ર 5 ગાડી આવે છે.