Site icon Revoi.in

વાયબ્રન્ટને કારણે ગુજરાત યુનિવર્સિટીની આજે અને કાલે લેવાનારી પરીક્ષા રદ,

Social Share

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિવિધ વિદ્યાશાખાઓની સેમેસ્ટર-1ની પરીક્ષાઓ લેવામાં આવી રહી છે. ત્યારે આજે 9મી અને કાલે 10 જાન્યુઆરીના અલગ અલગ વિષયોની પરીક્ષા યોજાવવાની હતી, પરંતુ વાઇબ્રન્ટ ગુજરાત સમિટને કારણે પરીક્ષા હાલ પૂરતી મોકુફ રાખવામાં આવી છે. રદ કરાયેલા બન્ને પેપરોની પરીક્ષા 17મી જાન્યુઆરીથી લેવામાં આવશે.

ગુજરાત યુનિવર્સિટીના પરિક્ષા વિભાગના સૂત્રના જણાવ્યા મુજબ  યુનિ. દ્વારા અલગ અલગ વિદ્યાશાખામાં સેમેસ્ટર1ની પરીક્ષા ચાલી રહી છે. પરીક્ષાઓ તા. 10 જાન્યુઆરી સુધી ચાલવાની હતી. જે અત્યારે પરિપત્ર કરીને મોકૂફ રાખવામાં આવી છે. 9 અને 10 જાન્યુઆરીએ 2 પેપર હતા જે પેપર હાલ પુરતા મોકૂફ રાખીને 17 અને 18 જાન્યુઆરીએ લેવામાં આવશે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, વાઇબ્રન્ટ ગુજરાતના આયોજનના કારણે ટ્રાફિક વ્યવસ્થા ધ્યાને લઈને ગુજરાત યુનિવર્સિટી દ્વારા સાયન્સ, કોમર્સ, આર્ટસ, લો સહિત અલગ અલગ વિદ્યાશાખાની 9 અને 10 જાન્યુઆરીએ યોજાનારી પરીક્ષા હાલ પૂરતી મોકૂફ રાખી છે. યુનિવર્સિટીએ જાહેર કરેલા પરિપત્ર મુજબ 9 જાન્યુઆરીએ યોજાનારી પરીક્ષા 17 જાન્યુઆરીએ અને 10 જાન્યુઆરીએ યોજાનારી પરીક્ષા 18 જાન્યુઆરીએ યોજાશે.

આ ઉપરાંત ગુજરાત ટેક્નોલજીકલ યુનિવર્સિટીમાં 9 અને 10 જાન્યુઆરીએ યોજાનારી પરીક્ષા હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે. વાઇબ્રન્ટ ગુજરાતના કારણે વિદ્યાર્થીઓને અગવડતા ના પડે તે માટે 9 અને 10 તારીખે એમ.ફાર્મ રીમિડયલ સિવાયની તમામ પરીક્ષા મોકૂફ કરવામાં આવી છે. આગામી દિવસોમાં આ બે દિવસની પરીક્ષા માટે નવી તારીખ જાહેર કરવામાં આવશે. 11 જાન્યુઆરીથી ટાઇમ ટેબલ મુજબ પરીક્ષા યોજાશે.