Site icon Revoi.in

અમદાવાદમાં પીક-અપ અવર્સ દરમિયાન ટ્રાફિક જામ કરતા ડમ્પરો

Social Share

અમદાવાદઃ શહેરમાં વસતી સાથે વાહનોની સસંખ્યામાં પણ વધારલો થયો છે, તેના લીધે રોજબરોજ ટ્રાફિકની સમસ્યા વિકટ બનતી જાય છે. ટ્રાફિક સમસ્યા વિકટ બનવાનું કારણ વાહનચાલકોમાં ટ્રાફિક સેન્સનો અભાવ મુખ્ય કારણ છે. ખાસ કરીને સવારે 9થી 11 વાગ્યા સુધીનો અને સાંજે 5 વાગ્યાથી 8 વાગ્યા સુધીનો સમય પીક-અપનો સમય ગણાય છે. આ સમય દરમિયાન શહેરના તમામ રસ્તાઓ પર સૌથી વધુ ટ્રાફિક રહેતો હોય છે. ત્યારે પીક-અપ સમયમાં રેતી-માટી અને કપચી ભરેલા ડમ્પરો, બિલ્ડરોના મિક્ચર મશીનો, એએમસીના કચરા ભરેલા વાહનો ટ્રાફિક જામ કરતા હોય છે. આવા વાહનોને પીક-અપ અવર્સ દરમિયાન પ્રતિબંધ મુકવાની માગ ઊઠી છે. શહેરમાં ભારે વાહનોને સવારે 8થી રાતના 11 વાગ્યા સુધી પ્રતિબંધ છે, ત્યારે મંજુરીથી શહેરમાં દોડતા ભારે વાહનો પર પણ લગામ જરૂરી છે.

અમદાવાદ શહેરની હદ તેમજ એસજી હાઈવે પરના તમામ રસ્તા પર સવારે 8 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી ભારે તેમજ અતિભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ છે. આમ છતાં આ પ્રતિબંધને કોઈ ગણતું નથી. આખા દિવસ દરમિયાન ડમ્પર, લક્ઝરી સહિતનાં ભારે વાહનો બેરોકટોક પ્રવેશી રહ્યા છે. સવારે અને સાંજના પીક-અપ સમયમાં પણ ડમ્પરો અને મીક્ચર વાહનો ટ્રાફિક જામ કરતા હોય છે. પણ તેની સામે કોઈ પગલાં લેવામાં આવતા નથી. ડમ્પરોમાં માટી,કપચી કે રેતી ભરી હોય છતાંયે તેને ઢાંકવામાં આવતા નથી. તેથી રેતી, માટી ઉડતી હોય છે. તેને લીધે દ્વીચક્રી વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. આવા ડમ્પરો સામે પણ કોઈ જ પગલાં લેવામાં આવતા નથી.

શહેરમાં એસજી હાઈવે પર રાતના સમયે પણ ડમ્પરો દોડતા હોવાથી નવરાત્રિમાં આવતાં ખેલૈયાઓએ કલાકો સુધી ટ્રાફિકજામમાં ફસાવવું પડે છે. ટ્રાફિક પોલીસને આ ભારે વાહનો દેખાતાં નથી. ટ્રાફિક પોલીસનું કહેવું છે કે, પ્રતિબંધિત સમયમાં ડમ્પરને શહેરમાં ફરવા મંજૂરી આપી છે પણ આવા કેટલાં વાહનને મંજૂરી છે તેનો કોઈ આંકડો નથી. શહેરની હદ તેમજ એસજી હાઈ‌વે પર પ્રતિબંધિત સમયમાં ભારે વાહનોને ફરવા માટે જેસીપી કચેરીમાંથી મંજૂરી લેવી પડતી હોય છે. આ મંજૂરી મળે પછી જ ભારે વાહન શહેરની હદ અને એસજી હાઈવે પર પ્રવેશી શકે છે. આવા વાહનોએ મંજૂરી લીધી છે કે નહીં તે ચેક કરવામાં આવે છે અને મંજૂરી ન હોય તો તેમની પાસેથી દંડ પણ વસૂલ કરવામાં આવતો હોય છે.  એવો પોલીસ દ્વારા દાવો કરવામાં આવે છે. પરંતુ વગદાર બિલ્ડરોના ડમ્પરો હોવાથી તેની સામે કોઈ પગલાં લેવામાં આવતા નથી.