ડીસા તાલુકામાં રેતીભરીને બેફામ દોડતા ડમ્પરો, તાલેપુરાના ગ્રામજનોએ કલેકટરને આપ્યુ આવેદનપત્ર
ડીસાઃ બનાસકાંઠામાં અને ખાસ કરીને ડીસા તાલુકામાં ખનીજ ચોરીનું સૌથી વધુ દુષણ જોવા મળી રહ્યું છે. જેમાં રેતી ભરીને જતાં ડમ્પરો પૂરફાટ ઝડપે ચાલતા હોય છે. ડમ્પરોમાં ભરેલી રેતીને ઢાંકવામાં પણ આવતી નથી તેના લીધે ચાલુ ડમ્પરે રેતી ઉડતી હોવાથી પાછળ આવતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ડીસા તાલુકાના તાલેપુરાના ગ્રામજનોએ રેતી ભરીને ચાલતા બેફામ ટ્રકોને લઈ ગુરૂવારે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. બેફામ રીતે રેતી ભરીને ચાલતા ટ્રકોના કારણે બાળકો સહિતના લોકોના જીવ પણ જોખમ રહેલું છે. જેથી કલેક્ટરને રજૂઆત કરી આવા ટ્રક ચાલકો વિરૂદ્ધ કાર્યવાહી કરવાની માગ કરી છે. તેમજ ટ્રકોને બંધ કરવામાં નહીં આવે તો ગ્રામજનો રોડ ઉતરી ચક્કાજામ કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.
બનાસકાંઠાના ડીસા તાલુકાના તાલેપુરા ગામના સમસ્ત ગ્રામજનોએ બેફામ રેતી ભરીને ચાલતી ટ્રકો બંધ કરવા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. જેમાં જણાવાયું હતું કે, ભડથ ગામની હદ વિસ્તારમા બનાસ નદીના પટમાં રેતીની ક્વોરીઓ આવેલી છે. આ ક્વોરીમાંથી ટ્રકો ચાલકો રેતી ભરી તાલેપુરાથી થેરવાડ વિઠોદર ડીસા બાજુ જતા હોઈ છે. આ ટ્રકો તાલેપુરા ગામની સીમમાંથી અને ગામના ગોદરેથી પસાર થાય છે. તાલેપુરા ગામથી આ ટ્રકો બેફામ ચાલતી હોઈ છે. રસ્તાની બાજુમાં પ્રાથમિક શાળા આવેલી છે. ત્યારે આ બેફામ ચાલતા ટ્રકોના કારણે બાળકોના જીવ પર જોખમ રહેલું છે. ભવિષ્યમાં અકસ્માત થવાની પૂરી સંભાવના છે. જેથી શાળાના બાળકોની સુરક્ષા માટે બેફામ ચાલતા ટ્રકોને બંધ કરાવવા સમસ્ત તાલેપુરા ગામના ગ્રામજનો એકત્ર થઈ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.