Site icon Revoi.in

વડોદરામાં ડુપ્લીકેટ મનાતો રૂપિયા 50 લાખનો સેનેટાઈઝરનો જથ્થો જપ્ત

Social Share

વડોદરા :  કોરોનાના કપરા કાળમાં પણ કેટલાક લોકો છેતરપિંડી કરીને રૂપિયા કમાવવાની તક છોડતા નથી કોરોના કાળમાં મેડિકલ માફિયાઓ ડુપ્લીકેટ ઇન્જેક્શનો, સેનેટાઈઝર જેવી ચીજ વસ્તુઓ વેચીને લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરી રહ્યા છે. વડોદરાના ગોરવા બી.આઇ.ડી.સી. સ્થિત  એક ઇન્ડસ્ટ્રીઝમાં PCB પોલીસે દરોડો પાડી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા શંકાસ્પદ ડુપ્લીકેટ સેનેટાઈઝરનો વિપુલ જથ્થો સીઝ કરતા ખળભળાટ મચી ગયો હતો.

વડોદરા પોલીસને બાતમી મળી હતી કે ગોરવા બી.આઇ.ડી.સી. ની એક  ઈન્ડસ્ટ્રીઝમાં ડુપ્લીકેટ સેનેટાઈઝરનુ ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. અને આ સેનેટાઈઝર હાલ ચાલી રહેલી કોરોના મહામારીમાં ધૂમ વેચાણ કરવામાં આવી રહ્યું છે. જે બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. પી.સી.બી. શાખાએ દરોડો પાડતા જ કંપનીમાં કામ કરતા કર્મચારીઓ ચોંકી ઉઠ્યા હતા. પોલીસે સેનેટાઈઝરનુ ઉત્પાદન કરતી કંપનીના સંચાલકો દ્વારા સેનેટાઈઝર ડુપ્લીકેટ છે કે નહિ તેની તપાસ માટે એફ.એસ.એલ ટીમની પણ મદદ લીધી હતી.

એફ.એસ.એલ ટીમે કંપનીમાંથી સેનેટાઈઝર લિક્વિડના નમુના લઇ લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલી આપ્યા હતા. હાલ પોલીસે સેનેટાઈઝરનો આશરે રૂપિયા 50 લાખ ઉપરાંતનો જથ્થો સીઝ કરી દીધો છે. આ અંગે ગોરવા પોલીસે જાણવા જોગ નોંધ લીધી છે. પી.સી.બી શાખાના સૂત્રોએ જણાવ્યું હતું કે એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. વધુમાં જણાવ્યું કે સેનેટાઈઝરનો જથ્થો ડુપ્લીકેટ હશે, તો કંપનીના સંચાલકો સામે લોકોના આરોગ્ય સાથે ચેડા કરવાનો ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.