ધો.10 અને 12ની પરીક્ષા દરમિયાન અપડાઉન કરતા વિદ્યાર્થીઓને ST બસમાં બેસાડવા સુચના
અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તા. 14મી માર્ચથી ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રરંભ થઈ રહ્યો છે. પરીક્ષાની આગોતરી તૈયારીમાં માત્ર બોર્ડના અધિકારીઓ જ નહીં પણ જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ પણ કામે લાગેલા છે. રાજ્યના જુદા જુદા પરીક્ષા કેન્દ્રો પર ધણાબધા ગાંમડાના વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપવા માટે આવતા હોય છે. ત્યારે એસટી બસમાં અપડાઉન કરતા વિદ્યાર્થીઓ એવા બોર્ડના પરીક્ષાર્થીઓને મુશ્કેલી ન પડે તે માટે એસટી નિગમ દ્વારા તમામ ડેપો મેનેજરોને પત્ર લખીને જાણ કર છે કે, બોર્ડ પરીક્ષા દરમિયાન બસ સ્ટેન્ડ ઉપર ઉભેલા મુસાફરોમાંથી વિદ્યાર્થીઓને ફરજિયાત બેસાડવાના રહેશે. જો કોઇ વિદ્યાર્થીની ફરીયાદ આવી કે બસ ઉભી નહી રાખતા તો તે રૂટની બસના ડ્રાઇવર અને કંડક્ટરની સામે સખ્ત ખાતાકિય કાર્યવાહી કરાશે.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા મુસાફરોને ધ્યાનમાં રાખીને અનેક યોજનાઓ બનાવી છે. ઉપરાંત મુસાફરો ખાનગી વાહન અને લક્ઝરી બસનો ઓછો ઉપયોગ કરે અને એસ ટી બસનો વધુ ઉપયોગ કરે તે માટે હાથ ઊંચો કરોને બસમાં બેસો સહિતની યોજનાઓ કાર્યરત છે. ત્યારે વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપવા જવા માટે મોડા પડે નહી તે માટે એસ ટી નિગમ દ્વારા અનોખી પહેલ શરૂ કરી છે. જેના ભાગરૂપે કોઇપણ બસ સ્ટેન્ડ ઉપર ઉભેલા મુસાફરોમાંથી વિદ્યાર્થીઓને ફરજીયાત બસમાં બેસાડવાના રહેશે. જો બસમાં જગ્યા ના હોય તો મુસાફરોને આઘા પાસા કરીને વિદ્યાર્થીઓને એસટી બસમાં બેસાડવાના રહેશે. અને એસટી બસમાં બેસાડેલા વિદ્યાર્થીઓને નિયત બસ સ્ટેન્ડે ઉતારવાના રહેશે. જો કોઇ રૂટની બસ દ્વારા ઉભી નહી રાખવાની ફરીયાદ આવશે તો તે રૂટના ડ્રાઇવર અને કંડક્ટરની સામે સખત ખાતાકિય કાર્યવાહી કરાશે. ઉપરાંત તમામ એસ ટી ડેપોના મેનેજરોએ સ્ટાફના તમામ ડ્રાઇવર અને કંડક્ટરોની આ આદેશની જાણ કરીને રજીસ્ટ્રરમાં દરેક ડ્રાઇવર અને કંડક્ટરની સહી લેવાની રહેશે. તેવો પણ ઉલ્લેખ એસ ટી નિગમના આદેશમાં કરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં બોર્ડની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને કોઈ મુસીબત ન પડે તે માટે એસટી નિગમે આવી વ્યવસ્થા કરવા સૂચના આપી છે.