રાજકોટઃ મોરબીના સિરામિક ઉદ્યોગમાં ગયા વર્ષે લોકડાઉન ખૂલ્યા પછી એકાદ વર્ષ સુધી જબરજસ્ત ચળકાટ નિકાસ અને સ્થાનિક માગને લીધે હતો. પરંતુ પાછલા ત્રણ મહિનામાં માઠી દશા થઇ છે. કાચા માલના ભાવ વધ્યા છે. એવામાં કન્ટેઇનરોની અછતથી ભાડાંમાં વધારો અને હાલમાં જ ગેસ કંપનીએ ભાવવધારો કરતા અનેક યુનિટો બંધ થઇ ગયા છે. એટલું જ નહીં નિકાસમાં 30 ટકા જેટલું ગાબડું પડ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાંથી મહિને સરેરાશ રુ. 1000થી 1200 કરોડ જેટલું ટર્નઓવર નિકાસ માટે થાય છે. પણ પાછલા ત્રણેક મહિનાથી નિકાસ ઘટી રહી છે એ કારણે આ ગાળામાં કુલ નિકાસ 60 ટકા જેટલી ઘટી છે. ગયા એક જ મહિનામાં 30 ટકાનો નિકાસ ઘટાડો થતાં ફક્ત રુ.650-700 કરોડની થઇ હોવાની ધારણા છે. મોરબીના સિરામિક ઉદ્યોગકારોના કહેવા મુજબ દિવસે દિવસે સ્થિતિ બગડી રહી છે.
નિકાસ થોડી ધીમી પડી હતી એમાં વળી કન્ટેઇનરોના ભાડાં વધી ગયા. ભાડાં ચૂકવવા છતાં કન્ટેઇનર મળતા નથી એટલે મુશ્કેલી પડવા માંડી છે. તેથી 30 ટકા નિકાસમાં ઘટાડો થયો છે. જ્યાં 1800 ડોલરના ભાડાં હતા ત્યાં 8થી 10 હજાર ડોલર થઇ ગયા છે. 1200 ડોલરના ભાડાં 6000 ડોલર સુધી પહોંચી ગયા છે. વિદેશી બજારમાં માગ હવે સાવ મર્યાદિત થઇ ગઇ છે. વિદેશમાં માલ ભરાવો થયો હોય એવું નથી પણ હવે આયાત મોંઘી પડે છે એટલે જરુર પૂરતી ખરીદી થાય છે. લોકડાઉન વેળા સ્થાનિક માગ ઠપ હતી ત્યારે નિકાસને લીધે ઉદ્યોગમાં ઘીકેળા જેવી સ્થિતિ હતી પણ હવે સ્થાનિક માગ ઢીલી જ છે અને વિદેશમાં માગ નબળી પડતા તકલીફ પડી રહી છે.
મોરબીના સિરામિકના એક ઉદ્યોગકારે જણાવ્યું હતું કે, ગેસના ભાવવધારા પછી વોલટાઇલ્સના અનેક યુનિટોએ એક મહિનો શટડાઉન પાળ્યું છે. આવા લગભગ 300 જેટલા કારખાના છે. વિટ્રીફાઇડના એકમો મોરબી અને આસપાસમાં 325 જેટલા છે. એમાં પણ 100 જેટલા કારખાના બંધ કરી દેવાનો વખત આવ્યો છે. તાજેતરમાં જ વોલટાઇલ્સ અને વિટ્રીફાઇડ ટાઇલ્સના ભાવમાં 10થી 12 ટકા જેટલો વધારો કરવામાં આવ્યો છે પણ તેનાથી સરવાળે માગ નબળી પડશે તેમ ઉદ્યોગકારો કહે છે, નાછૂટકે થયેલા ભાવવધારાની માઠી અસર ઉદ્યોગને જ થવાની છે.