મહેસાણા : જિલ્લામાં આવેલા બેચરાજી તાલુકાના ગાભુ ગામમાં અવારનવાર ખોદકામ દરમિયાન પૌરાણિક મૂર્તિઓ અને અન્ય ચીજવસ્તુઓ મળી આવતી હોય છે. ત્યારે ગાભુ ગામમાં કૂવાના ખોદકામ દરમિયાન પૌરાણિક મૂર્તિઓ મળી આવી છે. જેમાં ભગવાન બૌદ્ધની સફેદ અને કાળા આરસની મૂર્તિઓ મળી આવતાં ગામલોકો જોવા માટે ઊમટી પડ્યાં હતાં.
મહેસાણના બેચરાજી તાલુકામાં એક કૂવાના ખોદકામ દરમિયાન પ્રાચીન અને દુર્ભલ મૂર્તિઓ મળી આવી છે. આ મૂર્તિઓ ભગવાન બુદ્ધની છે. ભગવાન બુદ્ધની મૂર્તિઓ મળી આવતા જ ગામ લોકોમાં કુતૂહલ સર્જાયુ હતું,
ગાભુ ગામમાં આવેલા ઠાકોર વાસમાં કાંતિજી ધુળાજી ઠાકોરના ઘર પાસે કૂવો ખોદવાની કામગીરી કરવામાં આવી હતી. કૂવા માટે 10 ફૂટ સુધી નીચે ખોદાણ કરવામા આવ્યુ હતુ. ત્યાં અચાનક ખોદકામ કરતા લોકોના ઓજારો પર પથ્થર જેવુ કંઈક ટકરાયુ હતું. જેથી શ્રમિકોએ વધુ ખોદકામ કરીને પત્થરો બહાર કાઢ્યા હતા. તેમણે પત્થરને બહાર કાઢીને ધ્યાનથી જોયુ તો તે ભગવાની મૂર્તિઓ લાગી હતી. મૂર્તિઓને બરાબર સાફ કરી ત્યારે ખબર પડી કે ભગવાન બુદ્ધની મૂર્તિઓ છે. આ અંગે ગામના સરપંચને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસને પણ જાણ કરાતા પોલીસ દોડી આવી હતી. અને પોલીસની હાજરીમાં જેસીબીની મદદથી મૂર્તિઓ બહાર કાઢવામા આવી હતી. જેમાં ભગવાન બુદ્ધની મૂર્તિઓ ખંડિત હોવાનું દેખાયુ હતું. આ મૂર્તિઓ પ્રાચીન મૂર્તિઓ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ભગવાન બુદ્ધની મૂર્તિઓ સાથે અન્ય ચીજવસ્તુઓ પણ મળી આવી છે. ત્યારે હવે આ મૂર્તિઓને પુરાતત્વ વિભાગમાં સોંપવામાં આવે તો આ મૂર્તિઓ કેટલી જૂની છે તેની યોગ્ય માહિતી મળી શકશે.