Site icon Revoi.in

અંબાજીમાં મેળા દરમિયાન સવારે 6થી રાતના 12 વાગ્યા સધી દર્શન કરી શકાશે

Social Share

અંબાજીઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ એવા અંબાજીમાં આગામી તા.12મી સપ્ટેમ્બરથી 18મી સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂનમનો મેળો યોજાશે. ભાદરવી પૂનમે મા અંબાજીના દર્શનું વિશેષ મહાત્મ્ય છે. લાખોની સંખ્યામાં ભાવિકો દર્શન માટે ઉમટી પડશે. ત્યારે મંદિરમાં સવારના 6 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી દર્શન કરી શકાશે.

યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. તંત્ર દ્વારા મેળા માટેની આગોતરી તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આગામી 12 થી 18 સપ્ટેમ્બર દરમિયાન સાત દિવસનો ભાદરવી પૂનમનો મહામેળો યોજાશે. જેમાં અંદાજે 40 લાખથી વધુ શ્રદ્ધાળુઓ પગપાળા કે અન્ય રીતે માના ધામમાં પહોંચશે તેવી ગણતરી સાથે તંત્રએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. અસ્ખલિત વહેતા ઝરણાંની જેમ માના ધામમાં આવતાં દરેક યાત્રિકને દર્શનનો લાભ મળે તે માટે કોવિડ પછી પ્રથમવાર સવારે 6 વાગ્યાથી રાત્રિના 12 વાગ્યા સુધી દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે વરસાદની સ્થિતિમાં યાત્રિકોને તકલીફ ના પડે તે માટે વોટરપ્રૂફ ડોમથી લઇ દર્શન, વિસામો, ભોજન, પાર્કિંગ, સુરક્ષા, સલામતી, પ્રસાદ, પગરખાં, સફાઈ, પાણી, ટોઇલેટ સહિતની સુવિધાઓ ઊભી કરવા 26 સમિતિઓને જવાબદારીઓ સોંપાઈ છે.

જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું કે, અન્ય જિલ્લામાંથી પસાર થતા પગપાળા સંઘોને કોઈ મુશ્કેલી ન પડે માટે અન્ય જિલ્લાના કલેક્ટર સાથે પણ પદયાત્રીઓની સગવડો સચવાય તેવી વ્યવસ્થા ગોઠવવા સંકલન મિટિંગ કરી છે. મેળા આડે હજુ ચાર દિવસ બાકી છે, છતાં પગપાળા સંઘોનું આગમન શરૂ થઇ ગયું છે.  દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા માતાજીનો મોહનથાળનો પ્રસાદ યાત્રિકોને મળી રહે તે માટે ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસથી બનાવવાનું શરૂ કરાયું છે. આ વર્ષે સાડા ત્રણ લાખ કિલો મોહનથાળ પ્રસાદ બનાવવામાં આવશે.  આ વખતે દર્શનના સમયમાં વધારો કરવામાં આવ્યો છે અને ભક્તો સવારે 6 થી રાત્રે 12 વાગ્યા સુધી દર્શન કરી શકશે. બ્રોશર અને ક્યુઆર કોડ દ્વારા મેળાની સંપૂર્ણ સુવિધા અને વ્યવસ્થા અંગે માહિતી મેળવી શકાશે. 350 જેટલા સીસીટીવી કેમેરાથી સમગ્ર મેળાનું મોનિટરિંગ કરવામાં આવશે. 750 સફાઈ કર્મીઓ સાથેનું માઇક્રો પ્લાનિંગ સ્વચ્છતા માટે કરાયું છે.