ડાકોરમાં રણછોડરાયજીના મંદિરમાં મંગળા આરતીના સમયે ભક્તોએ કરી છૂટાહાથની મારામારી,
ડાકોરઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર રણછોડજી મંદિરમાં સોમવારે વહેલી સવારની મંગળી આરતીમાં જ શ્રદ્ધાળુ ભક્તો બાખડી પડ્યાં હતા. વહેલી સવારે મંગળા આરતી દર્શન સમયે ભક્તો દ્વારા મંદિરના ઘુમ્મટમાં જ ભક્તોએ મારામારી કરી હતી. દર્શન કરવાની જગ્યા બાબતમાં રોષે ભરાયેલા ભક્તો એકબીજા પર તૂટી પડ્યા હતા. દરમિયાન મંદિરના સિક્યુરિટી જવાનો અને પોલીસે ટોળાંને શાંત પાડીને છૂટા પાડ્યા હતા. મંદિરમાં જ દર્શન કરવાની જગ્યા બાબતમાં મારામારી થઈ હતી. આ સમગ્ર બાબતને લઈને વૈષ્ણવોનું ટોળું પોલીસ સ્ટેશન પહોંચ્યું હતું.
પોલીસસૂત્રોના કહેવા મુજબ ડાકોરના રણછોડરાયજીના મંદિરમાં મંગળા આરતીના સમયે ભગવાનનાં દ્વાર ખૂલતા પહેલાં જ બહારથી આવેલા અને સ્થાનિક ભક્તોની ભારે ભીડ ઊમટી હતી. ભક્તો ડાકોરના ઠાકોરના બંધ દરવાજા ખોલી દર્શન માટે પ્રાર્થના કરી રહ્યા હતા, ત્યારે ગર્ભગૃહની સામે જ મંદિરના પરિસરમાં કેટલાક ભક્તો વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી, જે બાદ આ ભક્તો વચ્ચે છૂટહાથે મારામારી થઈ હતી. મારામારીની ઘટના બનતા ડાકોર મંદિરની રણછોડ સેનાએ અને સ્થાનિક પોલીસ દ્વારા મારામારી કરતા ભક્તોને સમજાવી બહાર કાઢ્યા હતા. આ બાદ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.
ડાકોરના પીઆઈ વી.ડી.મંડોરાએ જણાવ્યું હતું કે, રેગ્યુલર દર્શનાર્થીઓ અને બહારથી આવેલા દર્શનાર્થીઓ વચ્ચે કોઈ બાબતને લઈને મંદિર પરિસરમાં જ બોલાચાલી થઈ હતી. જે છૂટાહાથની મારામારી સુધી પહોંચતા બે પૈકી બહારથી આવેલા વૈષ્ણવ દર્શનાર્થીએ ડાકોર પોલીસમાં અરજી આપી છે, અમે આ અરજીના આધારે બંને પક્ષોને બોલાવી નિવેદનો લઈશું.