નવરાત્રિના નવ દિવસ મળશે માં દુર્ગાની કૃપા,પૂજામાં પહેરો દેવીના મનપસંદ રંગોના વસ્ત્રો
ચૈત્ર શુક્લ માસની નવરાત્રિ આ વખતે 22મી માર્ચથી શરૂ થઈ રહી છે. આ દરમિયાન 9 દિવસમાં મા દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. માન્યતાઓ અનુસાર જો માતાની પૂજા વિધિવિધાન સાથે કરવામાં આવે તો જીવનની સમસ્યાઓ દૂર થાય છે અને જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે. આ સિવાય 9 દિવસમાં માતાના મનપસંદ રંગોના કપડા પહેરવામાં આવે તો માતા દુર્ગા પ્રસન્ન થાય છે. તો ચાલો તમને જણાવીએ કે કયા દિવસે કયા રંગના કપડા પહેરવા શુભ છે.
પહેલો દિવસ
નવરાત્રીના પહેલા દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. માન્યતાઓ અનુસાર આ દિવસે પૂજા દરમિયાન નારંગી, ગુલાબી, લાલ અને રાણી રંગના વસ્ત્રો પહેરવા શુભ માનવામાં આવે છે. તેનાથી વ્યક્તિની તમામ ઈચ્છાઓ પૂર્ણ થાય છે અને જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે.
બીજો દિવસ
નવરાત્રીના બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે સફેદ, ક્રીમ અને પીળા રંગના કપડાં પહેરવા શુભ માનવામાં આવે છે. માન્યતાઓ અનુસાર, આ રંગના કપડા પહેરવાથી વ્યક્તિના જીવનની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.
ત્રીજો દિવસ
નવરાત્રિના ત્રીજા દિવસે મા ચંદ્રઘંટાનું પૂજન કરવામાં આવે છે. આ દિવસે કેસરી, લાલ, પીળા રંગના વસ્ત્રો પહેરીને માતાની પૂજા કરવી શુભ માનવામાં આવે છે. માન્યતાઓ અનુસાર, તેનાથી જીવનમાં સુખ અને સ્વાસ્થ્ય મળે છે.
ચોથા દિવસે
નવરાત્રિનો ચોથો દિવસ મા કુષ્માંડાનો ગણાય છે. માતા કુષ્માંડાને પ્રકૃતિની દેવી કહેવામાં આવે છે, તેથી આ દિવસે લીલા, પીળા, ભૂરા અને ક્રીમ રંગના વસ્ત્રો પહેરવા શુભ માનવામાં આવે છે.
પાંચમો દિવસ
નવરાત્રિનો પાંચમો દિવસ માતા સ્કંદમાતાનો ગણાય છે. માતાની પૂજા માટે લાલ, લીલા, સફેદ વસ્ત્રો પહેરવા શુભ માનવામાં આવે છે. માન્યતાઓ અનુસાર, તેનાથી બાળકોના સુખની સાથે આરોગ્યનું જ્ઞાન પણ મળે છે.
છઠ્ઠો દિવસ
છઠ્ઠા દિવસે માતા કાત્યાનીની પૂજા કરવામાં આવે છે. મા કાત્યાની દેવીની પૂજા માટે લોકોએ કેસરી, લાલ, મરૂન, ગુલાબી રંગો ધારણ કરીને માતાની પૂજા કરવી જોઈએ. તેનાથી ઘરગથ્થુ જીવનની કોઈપણ સમસ્યા દૂર થાય છે અને કરિયરમાં પણ લાભ મળે છે.
સાતમો દિવસ
નવરાત્રિનો સાતમો દિવસ મા કાલરાત્રિનો ગણાય છે. માન્યતાઓ અનુસાર આ દિવસે તંત્ર સાધના પણ કરવામાં આવે છે. માતાની પૂજા કરતી વખતે જાંબલી, વાદળી, આકાશી વાદળી અને રાખોડી રંગના કપડાં પહેરવા જોઈએ. એવું માનવામાં આવે છે કે તેનાથી જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે.
આઠમો દિવસ
નવરાત્રિનો આઠમો દિવસ મા મહાગૌરીનો દિવસ માનવામાં આવે છે. માતાને સફેદ રંગ બહુ ગમે છે. માતાની પૂજા કરતી વખતે તમે સફેદ, ગુલાબી, કેસરી રંગના કપડાં પણ પહેરી શકો છો.
નવમો દિવસ
નવરાત્રિનો છેલ્લો અને નવમો દિવસ મા સિદ્ધિદાત્રીનો ગણાય છે. માતાને સિદ્ધિઓની દેવી કહેવામાં આવે છે. પૂજા માટે તમે લાલ, કેસરી કે ગુલાબી રંગના કપડાં પહેરી શકો છો.