રાજકોટઃ શહેરમાં જર્જરિત મકાનના રીનોવેશન દરમિયાન મકાનનું છજુ ધરાશાયી થતા એક શ્રમિકનું મોત થયું છે. જ્યારે મકાન માલિક સહિત બે વ્યક્તિઓ ગંભીર રીતે ઘવાયા હતા. બન્ને ઇજાગ્રસ્તને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.
રાજકોટ શહેરમાં ઉત્તરાયણના દિને વધુ એક દુર્ઘટના બની હતી. શહેરના લક્ષ્મીવાડી શેરી નં.21માં નિખિલભાઈ રમેશભાઈ ટાંકના મકાનનું રીનોવેશન કામ ચાલુ હતું. દરમિયાન આજે અચાનક મકાનનું છજુ પડતા ઘટના સ્થળે જ મજૂરી કામ કરતા બબુલુ કેદુભાઈ મોહનીયા (આદિવાસી શ્રમિક) (ઉ.વ.20, રહે. સત્યમ પાર્ક, મૂળ મધ્યપ્રદેશ)નું કમકમાટી ભર્યું મોત થયું હતું. જ્યારે મકાન માલિક નિખિલભાઈ અને અન્ય એક કડીયા કામ કરી રહેલા વ્યક્તિને પણ ઇજા પહોંચી હતી. તેમને તત્કાલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે છઝાના કાટમાળ નીચેથી બહાર કાઢી શ્રમિક બબલુના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડાયો હતો. તબીબોના અભિપ્રાય મુજબ ઇજાગ્રસ્ત બન્ને વ્યક્તિની સ્થિતિ પણ ગંભીર છે. બનાવના પગલે લક્ષ્મીવાડી વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સવારે રાજકોટના મીલપરા વિસ્તારમાં ઘરની દિવાલ ધરાશાયી થતાં આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઇ હતી. અહીં એક મકાનમાં રિનોવેશનની કામગીરી ચાલી રહી હતી, તે સમયે અચાનક જ દિવાલ ધરાશાયી થઇ હતી. દિવાલ ધરાશાયી થતાં કાટમાળ નીચે ત્રણ લોકો દબાયા હતા. જેમાંથી એક વ્યક્તિને ગંભીર ઇજા પહોંચતાં મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય બે લોકોને બચાવવામાં આવ્યા હતા. આ બન્ને લોકોને ઇજા પહોંચતાં તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. આ સાથે દિવાલ કેવી રીતે ઘરાશાયી થઇ તે મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. દિવાલ ધરાશાયી થતાં આસપાસના વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી