પોરબંદરમાં તિરંગા યાત્રા દરમિયાન મુખ્યમંત્રીના કાફલામાં બે આખલા ઘૂંસી જતા દોડધામ મચી ગઈ
પોરબંદર : રાજ્યના તમામ નાના-મોટા શહેરોમાં રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. જેમાં ચોમાસા દરમિયાન તો જાહેર રોડ પર ઢોર અડ્ડો જમાવીને બેઠેલા જોવા મળતા હોય છે. શનિવારે ઉત્તર ગુજરાતના કડી શહેરમાં તિરંગા યાત્રા દરમિયાન રખડતી ગાયે પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને અડફેટે લીધા હતા, જેમાં તેઓ ઘાયલ થયા હતા. ત્યારે ત્યારબાદ પોરબંદરમાં મુખ્યમંત્રીના કાફલામાં આખલો ઘૂસી જતા દોડધામ મચી ગઈ હતી.
ગુજરાતના રસ્તાઓ પર રખડતાં ગાય-આખલાઓને કારણે અવાર-નવાર અકસ્માત સર્જાતા હોય છે. શનિવારે કડીમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલને રખડતા ઢોરો હડફેટે લેતા તેઓને હોસ્પિટલમાં સારવાર લેવાની ફરજ પડી હતી. ત્યારે એ જ દિવસે રખડતા ઢોર મુખ્યમંત્રીના કોન્વોયમાં પણ ઘૂસી ગયા હતા. પોરબંદરમાં શનિવારે હર ઘર તિરંગા યાત્રા અંતર્ગત પોરબંદર પહોંચેલા મુખ્યમંત્રીના કોન્વોય વચ્ચે બે આખલાઓ ઘુસી ગયા હતા. જોકે કોન્વેયમાં આ આખલાઓ અથડાયા ન હોવાથી અકસ્માત ટળ્યો હતો. તિરંગા યાત્રા પૂર્ણ કરી કોન્વેય પરત ફરી રહ્યો હતો ત્યારે યુગાન્ડા રોડ પર આ ઘટના બની હતી. ઉલ્લેખનીય છે કે, રાજ્યના અન્ય જિલ્લાઓની જેમ પોરબંદર જિલ્લામાં પણ મોટી સંખ્યામાં રેઢિયાર ઢોર રસ્તે રઝળતા જોવા મળી રહે છે.
મહેસાણાના કડીમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત કાર્યકરો અને આગેવાનો તિરંગા સાથે યાત્રામાં જોડાયા હતા, ત્યારે અચાનક દોડતી આવેલી એક ગાય ભીડમાં ઘૂસી ગઈ હતી અને ગાયે નીતિન પટેલ સહિત કેટલાક લોકોને અડફેટે લીધા હતા. ગાયની ટક્કર વાગતા નીતિન પટેલ રસ્તા પર પટકાયા. તેમને ઢીંચણના ભાગે ઈજા પહોંચી હતી. ત્યારબાદ પોરબંદરમાં પણ મુખ્યમંત્રીના કાફલામાં દોડતો આવેલો આખલો ઘૂંસી ગયો હતો. જોકે સલામતી જવાનોએ આખલાને કોન્વોયના રસ્તા પરથી દુર કર્યો હતો.
રાજ્યમાં રખડતાં ઢોરનો ત્રાસ લાંબા સમયથી યથાવત છે. ગુજરાતમાં તમામ જગ્યાએ ઢોરનો ત્રાસ જોવા મળે છે. આવા તો અનેક કિસ્સાઓ છે, પરંતુ જ્યારે કોઈ નેતા સાથે આવુ બને છે ત્યારે જ ઘટનાઓ ચર્ચામાં આવતી હોય છે. પરંતું સવાલ એ છે કે, આખરે આ આખલાઓથી કે રખડતાં ઢોરના આતંકથી આઝાદી ક્યારે મળશે?