Site icon Revoi.in

ગુજરાતમાં સપ્તાહ દરમિયાન હવે લઘુત્તમ તાપમાન બે ડિઝિટમાં રહેશે, ઠંડો પવન ફુંકાશે

Social Share

અમદાવાદઃ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠું પડ્યા બાદ વાદલો વિખેરાતા ઠંડીમાં થોડો વધારો થયો હતો. પણ ફેબ્રુઆરીના પ્રારંભથી લધુત્તમ તાપમાનમાં થોડો વધારો થયો છે. અને હવે સપ્તાહ દરમિયાન રાજ્યના શહેરોમાં 10થી 12 ડિગ્રી વચ્ચે લઘુત્તમ તાપમાન રહેવાની શક્યતા છે. ત્યારબાદ તાપમાનમાં વધારો થતાં ઠંડીમાં ઘટાડો થવાની શક્યતા છે. જો કે હાલ ઠંડો પવન ફુકાઈ રહ્યો છે.

રાજ્યના હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ સાઇક્લોનિક સરક્યુલેશનની અસર ઘટતાં વાતાવરણ સ્વચ્છ બન્યું છે. રવિવાર બપોર પછી ફુંકાયેલા ઠંડા પવનને કારણે અમદાવાદમાં ઠંડીનો પારો 3 ડિગ્રી ગગડ્યો હતો. અમદાવાદ સહિત રાજ્યના મોટા ભાગનાં શહેરોમાં લઘુત્તમ તાપમાનનો પારો 7થી 15 ડિગ્રીની વચ્ચે રહ્યો હતો. હવે  ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયામાં ઠંડી 11-12 ડિગ્રીની આસપાસ રહેશે, પણ ફેબ્રુઆરીના બીજા અઠવાડિયાથી ઠંડીમાં ઘટાડો થવાની શક્યતા છે.

હવામાન વિભાગના આંકડા મુજબ, છેલ્લા ત્રણ દિવસ અમદાવાદનું મહત્તમ તાપમાન 27.5 ડિગ્રી નોંધાયું હતું, પરંતુ લઘુતમ તાપમાન 17.5 ડિગ્રી ગગડી મંગળવારે 14.7 ડિગ્રીએ પહોંચતાં 3 ડિગ્રીનો ઘટાડો થયો હતો તેમ જ સાંજે  ઠંડા પવન ફુંકાતા ઠંડીનો ચમકારો વધ્યો હતો. આગામી દિવસોમાં ઠંડા પવનનું જોર રહેતા ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં ઠંડીનો પારો ફરી 11થી 12 ડિગ્રી વચ્ચે રહી શકે છે.

ગુજરાતમાં માવઠા બાદ ઠંડા પવનને કારણે તાવ, શરદી, ઉઘરસ સહિત વાયરલ બિમારીના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ભાવનગર શહેરમાં છેલ્લાં બે સપ્તાહમાં તાવ, શરદી, ઉધરસના કુલ 632થી વધુ દર્દીઓ નોંધાયા છે. અન્ય શહેરોમાં પણ વાયરલ બિમારીના કેસમાં વધારો થયો છે. પ્રથમ મિશ્ર ઋતુ અને હવે ટાઢાબોળ પવન, બે દિવસ માવઠાની સાથે કડકડતી ઠંડીને લીધે તાવ, શરદી અને ઉધરસના દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. તબીબોના મતે હાલ બદવાયેલા વાતાવરણને કારણે શરદી સાથે ઉધરસના કેસ જોવા મળે છે તે એક્યુટ રેસ્પિરેટરી ઇન્ફેકશનના હોય છે અને સાથે ફ્લુની અસર સાથે તાવ હોય દર્દીઓને આવી ઉધરસ કે તાવને મટતા 8થી 10 દિવસ થાય છે.  ખાસ કરીને નાના બાળકો અને વડીલોમાં શરદી ઉધરસના કેસમાં જબરો ઉછાળો આવ્યો છે. શહેરના પીએચસી, સીએચસી અને અર્બન હેલ્થ સેન્ટરમાં આવા દર્દીઓની સંખ્યા વધી છે.