દશેરા પર્વઃ અમદાવાદમાં ઠેર-ઠેર ફરસાણની દુકાનોમાં ફાફડા-જલેબી માટે લાંબી લાઈનો લાગી
- રાજ્યભરમાં દશેરાપર્વની ધાર્મિક માહોલમાં ઉજવણી
- ઠેર-ઠેર રાવણના પૂતળાના દહનનું આયોજન
- ક્ષત્રિય સમાજ દ્વારા શસ્ત્રોની પૂજા કરાઈ
અમદાવાદઃ રાજ્યભરમાં આજે દશેરા પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. તેમજ અનેક સ્થળો ઉપર રાવણના પૂતળાના દહનનું આયોજન કરાયું હતું. દશેરા પર્વ ઉપર લોકો ફાફડા-જલેબી આરોગે છે. દરમિયાન આજે સવારથી જ ફરસાણની દુકાનો ઉપર ફાફડા-જલેબીની ખરીદી માટે લાંબી લાઈનો લાગી હતી. અમદાવાદ શહેરમાં ફાફડા-જલેબીની સાથે લોકોએ ચોળાફડી પણ આરોગી હતી.
અમદાવાદ શહેરમાં દશેરા પર્વ ઉપર ફાફડા-જલેબીને લઈને ફરસાણના વેપારીઓએ બે દિવસ પહેલાથી જ તૈયારીઓ શરૂ કરી દીધી હતી. એટલું જ નહીં નવરાત્રિના અંતિમ રાત્રિએ ગરવા રમતા ખૈલાયાઓએ ફાફડા-જલેબીની જયાફત માણી હતી. આ ઉપરાંત વિવિધ સોસાયટીમાં પણ રાતે નાસ્તામાં ગરબા રમવા આવેલા ખૈલાયાઓ અને જોવા આવનારાઓને ફાફડા-જલેબી આપવામાં આવી હતી. મોંઘવારીની અસર ફાફડા-જલેબીના ભાવ ઉપર પણ જોવા મળી હતી. ચોખ્ખા ઘી વાળી જલેબીનો કિલોનો ભાવ રૂપિયા 500 તેમજ કિલો ફાફડાનો ભાવ રૂપિયા 480 જેટલો છે. વેપારીઓને ફાફડા-જલેબી બનાવવા માટે એડવાન્સ ઓર્ડર મળી રહ્યા છે. જ્યારે ફાફડા પણ રૂ. 500થી 600ના ભાવે વેચાયાં હતા. જ્યારે ચોળાફી પણ પ્રતિ કિલો રૂ. 400ના ભાવે વેચાઈ હતી.
અમદાવાદ સહિત રાજ્યભરમાં નવરાત્રિ પર્વની ધામધૂમથી ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. આજે દશેરાના પર્વ ઉપર પણ ઠેર-ઠેર રાવણ દહનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત શહેરીજનોએ કરોડો રૂપિયાના ફાફડા-જલેબીની જયાફત ઉડાવી હતી.