ગુજરાતમાં ધૂળેટી પર્વની ઉજવણી, લોકોએ એકબીજાને રંગ લગાવી મનાવ્યો પર્વ
અમદાવાદઃ રાજ્યમાં હોળી-ધૂળેટીના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. લોકોએ એકબીજાને અબીલ-ગુલાલ લગાવીને હોળીના પર્વની ઉજવણી કરી હતી. જ્યારે વિવિધ સોસાયટી અને શેરીઓમાં સવારથી નાના બાળકો એક-બીજાને રંગ લગાવી, તથા પાણી છાંટીને રંગોના પર્વની ઉજવણી કરતા હતા. આ ઉપરાંત વિવિધ ધાર્મિક સ્થળો ઉપર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતા અને એક-બીજાને રંગ લગાવ્યો હતો.
ગુજરાતના સુપ્રસિદ્ધ સાળંગપુર હનુમાન મંદિરમાં પણ ધૂળેટી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. અહીં લગભગ 51 હજાર કિલો નેચરલ કલરથી હોળીની ઉજવણી કરવામાં આવી હતી. જ્યારે અમદાવાદના જાણીતા ઈસ્કોન, સોલા ભાગવત સહિતના મંદિરોમાં પણ ભક્તોએ પ્રભુ સાથે હોળી-ધૂળેટી પર્વ મનાવ્યો હતો. વિવિધ પાર્ટી પ્લોટ્સ અને કબલમાં પણ હોળીના પર્વને લઈને વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુવાધન પણ હોળીના રંગમાં રંગાયું હતું. વડોદરા શહેરમાં ઠેક ઠેકાણે ધુળેટી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. તરસાલી ખાતેના બાગમાં યોગ સાધકો એ તેમજ કમાટીબાગ સ્થિત ગ્રુપે ધુળેટી પર્વની ઉજવણી કરી હતી. મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ડીજેના તાલ સાથે એક બીજાને વિવિધ રંગોથી રંગીને ધુળેટી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે.ત્યાર બાદ ધુળેટીના ગીતોની તર્જ પર ઝૂમી સહુ કોઇ હોળીના ગીતો પર નાચી ઉઠ્યા હતા.