Site icon Revoi.in

દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના દરિયાકિનારા પર ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડવાની આગાહી

Social Share

અમદાવાદઃ દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના દરિયા કિનારા પર ભારે પવન સાથે ધૂળની હળવી આંધીની આગાહી હવામાન વિભાગે કરી છે. નવસારી શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દીવસથી ભારે પવન વહી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી અન્વયે આગામી 2 જૂન સુધી દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના દરિયા કિનારા ઉપર ભારે પવન સાથે ધુળની આંધીની આગાહી કરેલ છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે જેથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યાં છે અને ગરમીમાંથી ક્યારે રાહત મળશે તેની રાહ જોઈને બેઠા છે.

જે ધ્યાને લઈ સાવચેતી તથા તકેદારીના તમામ જરૂરી પગલાં લેવા અંગે નવસારી જિલ્લા વહીવટી તંત્ર સાબદું બન્યું છે. નવસારી જિલ્લામાં આવેલ દાંડી દરિયાકિનારો તથા ઉભરાટ બીચ તેમજ જિલ્લાનાં દરિયાકિનારે આવેલા તમામ પર્યટન સ્થળો પર બે જૂન સુધી સહેલાણીઓ માટે તાત્કાલિક અસરથી બંધ રાખવા માટે હુકમ કરવામાં આવેલ છે. તેમજ માછીમારોને દરીયો ન ખેડવા તાકીદ કરવામાં આવી છે. નવસારી જિલ્લા અધિક કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડીને દાંડી તેમજ ઉભરાટના દરિયા કિનારા ઉપર સહેલાણી અને જવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.

બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાવાથી ગુજરાતના વાતાવરણમાં ફેરફાર થશે. અને આજથી તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા રાજ્યના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાતાવરણ વાદળછાંયું રહેવાની પણ શક્યતા છે. દરમિયાન હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, ગુજરાતમાં જુનના પ્રથમ સપ્તાહથી પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરૂ થઈ જશે. તેના લીધે દક્ષિણ ગુજરાતમાં 4થી જુનથી વરસાદ પડવાની શક્યતા છે.