- મોટા મંદિરોમાં શ્રીકૃષ્ણના ભક્તોની ભીડ
- મોટી સંખ્યામાં ઉમટી પડ્યા લોકો
- નંદ ઘેર આનંદ ભયો – જય કનૈયાલાલ કી
જન્માષ્ટમીનો તહેવાર સમગ્ર દેશમાં જોર શોરથી ઉજવવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણના જન્મ પર તેમના ભક્તોમાં અનોખી ખુશી, આનંદ અને ઉત્સાહ જોવા મળતો હોય છે. આમ તો ભગવાન શ્રીકૃષ્ણના દેશમાં અનેક મંદિર છે પણ ગુજરાતના દ્વારકા – ડાકોર અને અમદાવાદના ઈસ્કોનમાં લોકોને અલગ જ પ્રતિસાદ જોવા મળતો હોય છે.
આજે પણ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી છે. ડાકોર મંદિર અને દ્વારકા મંદિરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને પોલીસ બંદોબસ્તની વચ્ચે શ્રદ્ધાળુઓને શ્રી કૃષ્ણનાં દર્શન કરાવાશે. કોરોનાના કારણે ગયા વર્ષે દર્શનાર્થીઓ માટે દર્શન વ્યવસ્થા બંધ રહી હતી. જેથી આ વર્ષે પ્રશાસન દ્વારા પરવાનગી મળતા મંદિરોમાં કૃષ્ણ જન્મોત્સવ કોરોનાની ગાઈડલાઈનને અનુસરીને ઉજવવામાં આવી રહ્યો છે.
કોરોના ગાઈડ લાઈનના પગલે આ વર્ષે મંદિરમાં ફાગણી પૂનમ નિમિત્તે ગોઠવાતો એક્શન પ્લાન અમલમાં મુકાયો છે. જેથી દર્શનાર્થીઓ પ્રદક્ષિણા કરી શકશે નહીં. પોલીસ દ્વારા 200-200ના જુથમાં દર્શનાર્થીઓને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે. જ્યાંથી ભક્તો શ્રીજી મહારાજના દર્શન કરી સીધા ગેટ નં.2 પરથી બહાર નીકળી જશે.
અમદાવાદમાં આવેલા ઈસ્કોન મંદિરમાં પણ ભક્તોની ભીડ જામી હતી, સાથે લોકોમાં કોરોનાને લઈને સતર્કતા પણ જોવા મળી હતી. મોટા ભાગના લોકો દ્વારા માસ્ક પહેરીને મંદિરમાં પ્રવેશ કરવામાં આવ્યો છે અને કોરોનાની ગાઈડલાઈનું સંપૂર્ણપણે પાલન પણ કરવામાં આવ્યું છે. અમદાવાદમાં ઈસ્કોન મંદિર પ્રખ્યાત મંદિરોમાંનું એક મંદિર છે જ્યા દર વર્ષે શ્રીકૃષ્ણને લઈને ઉજવણી થતી રહેતીં હોય છે.