અમદાવાદઃ દેવભૂમિદ્વારકામાં જીવીત વ્યક્તિઓને મૃતક દર્શાવીને વીમા કંપનીમાંથી રૂ. એક કરોડથી વધારે રકમનો ડેથ ક્લેમ મેળવવાના કાવતરાનો પર્દાફાશ થયો છે. સમગ્ર ઘટનામાં પોલીસે પાંચ આરોપીઓને ઝડપી લઈને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. જ્યારે અન્ય આરોપીઓને ઝડપી લેવા માટે પોલીસે કવાયત આરંભી છે. આરોપીઓએ એક-બે નહીં પરંતુ 45 જેટલી વ્યક્તિઓના મૃત્યુના ખોટા દસ્તાવેજ રજુ કર્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
વીમા કંપનીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, સેલ્સ મેનેજર મુકેશ ભરવાડ, ધના નંદાણીયા તથા ખીમા ચાવડા સહિતના આરોપીઓએ પોતાના અંગત ફાયદા માટે વીમાધારકોના મરણ અંગેના બનાવટી દાખલા અને દસ્તાવેજ બનાવ્યા હતા. જેનો ઉપયોગ કરીને ખોટા ડેથ ક્લેમ મૂકીને કુલ 1.03 કરોડ રૂપિયાની રકમ ડેથ ક્લેમ કરવામાં આવી હતી. સમગ્ર ઘટના અંગે પોલીસે ફરિયાદ નોંધીને તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો. પોલીસ સ્ટેશનમાં એક-બે સહિત છ આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી. સમગ્ર ઘટનામાં પોલીસે રામ મચ્છા મુંધવા, ભરત દેવાત નંદાણીયા, ધના રામ નંદાણીયા, રાજેશ મગન જગતિયા અને અરજણ આંબલીયાની અટકાયત કરીને પૂછપરછ આરંભી હતી. ઈન્શ્યોરન્સ કંપનીમાં 45 જેટલા આસામીઓના બોગસ ડેથ સર્ટિફિકેટ રજૂ કરી અને વીમા માટે કુલ રૂપિયા 1.03 કરોડની રકમના ખોટા ડેથ ક્લેમ મૂકવામાં આવ્યો હતો.
પોલીસે આ પ્રકરણમાં સંડોવાયેલા આરોપીઓની અટકાયત કરીને રિમાન્ડ મેળવવાની કવાયત આરંભી હતી. આ રેકેટમાં અન્ય આરોપીઓ સંડોવણી અંગે ઉંડાણપૂર્વકની તપાસ આરંભી છે. પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે.