- સવારે મંગળા આરતીમાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવ્યાં
- એક સપ્તાહ સુધી મંદિર ભક્તો માટે બંધ રહ્યું હતું
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થતા વિવિધ ધાર્મિક સંસ્થાઓ ભક્તો માટે બંધ કરવામાં આવ્યાં હતા. જો કે, છેલ્લા બે દિવસથી કોરોનાના કેસમાં ઘટાડો થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. તેમજ હવે નિયંત્રણો પણ હળવા કરવામાં આવે તેવી શકયતા છે. દરમિયાન આજથી સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં જગતમંદિરના દરવાજા ભક્તો માટે ખોલવામાં આવ્યાં છે.
સુત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થતા દ્વારકા મંદિર ભક્તો માટે બંધ કરવામાં આવ્યું હતું. જો કે, ભક્તો ઓનલાઈન ભગવાનના દર્શન કરી શકતા હતા. એક સપ્તાહ સુધી મંદિર બંધ રહ્યાં બાદ બાદ આજથી ભક્તો માટે મંદિર દર્શન માટે ખુલ્લુ કરવામાં આવ્યું છે. જેથી શ્રદ્ધાળુઓની સાથે મંદિર આસપાસના ધંધાર્થીઓમાં ખુશી ફેલાઈ છે. વહેલી સવારે જગત મંદિરના દ્વાર ખુલ્યા બાદ મંગળા આરતીમાં શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા હતા અને ભગવાનને પ્રાર્થના કરી હતી કે દર્શનાર્થે ભગવાનના દ્વાર ફરી કદી બંધ ન થાય અને કોરોનારૂપી રોગ ઝડપથી દેશમાંથી નાબૂદ થાય. દરરોજ નિયમિત દર્શન કરતા ભાવિકો પણ આજે સવારથી જ રાજા ધી રાજ કાળિયા ઠાકોરના દર્શન માટે ઉમટી પડ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં જાન્યુઆરીના આરંભ સાથે જ કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થયો હતો. તેમજ દરરોજ 20 હજારથી વધારે સરેરાશ કેસ સામે આવતા હતા. રાહતની વાત એ છે કે, બે દિવસથી કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. તંત્ર દ્વારા પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે ટેસ્ટીંગમાં વધારો કરવામાં આવ્યો છે.