Site icon Revoi.in

દ્વારકાના જગત મંદિરમાં દર્શનાર્થીઓની ભીડ ઉમટી, મંદિરને રંગબેરંગી રોશનીથી શણગારાયું

Social Share

દ્વારકાઃ દિવાળીના તહેવારોમાં લોકોમાં દેવ-દર્શનનું મહાત્મ્ય સૌથી વધુ હોય છે. જેમાં દિવાળીના પર્વમાં તો તમામ લોકો મંદિરોમાં દર્શન માટે જતા હોય છે. દ્વારકામાં દ્વારકાધિશના દર્શન માટે ધનતેરસથી જ દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. તમામ હોટલો-ગેસ્ટ હાઉસ હાફસફુલ થઈ ગયા છે. જગતમંદિરને રંગબેરંગી લાઇટીંગથી શણગારવામાં આવ્યું છે. ઝગમગાટથી ત્રિલોક્ય મંદિર શોભાયમાન થયું છે.

હિંદુ સંસ્કૃતિ માટે દિવાળી એટલે તહેવારોનો રાજા. દિવાળી તહેવારને લઈ યાત્રાધામ દ્વારકા ખાતે જગત મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું છે. અસત્ય પર સત્યના વિજયના પ્રતિકરૂપે આ તહેવાર આપણી સંસ્કૃતિ અને પરંપરાનું અનેરૂ ઉદાહરણ છે. શ્રીરામ જ્યારે અસત્યનાં પ્રતીકરૂપ રાવણને પરલોક ધામ પહોંચાડીને અયોધ્યા પરત ફર્યા ત્યારે સમગ્ર ભારત વર્ષમાં હર્ષ અને ખુશીનો માહોલ છવાયો હતો. લોકો પોતાના ઘરઆંગણે રંગોળી અને દીપ પ્રગટાવ્યા હતા. મીઠાઈઓ વહેંચી હતી અને લોકોએ એકબીજાને અભિનંદન આપ્યા હતા.

દિવાળીનો તહેવાર એટલે વાઘબારસ, ધનતેરસ, રૂપચૌદસ, દિવાળી, નૂતન વર્ષ, ભાઈબીજ અને લાભપાંચમ. આમ તહેવારોનો સમૂહ એટલે દીપાવલિ. આ વિશેષ દિવસો હર્ષ અને ઉલ્લાસના દિવસો હોઈ દ્વારકા ખાતે જગત મંદિરને રોશનીથી સુશોભિત કરવામાં આવ્યું છે. યાત્રિકોનો પ્રવાહ ધનતેરસથી વધી રહ્યો હતો.. યાત્રિકોના પ્રવાહથી વેપાર-ધંધામાં તેજી જોવા મળી રહી  છે. ખાસ કરીને હોટલ ઉદ્યોગ અને અન્ય ચીજવસ્તુઓની દુકાનોમાં ગ્રાહકોની ભાડ જોવા મળી રહી છે.  હોટલો, ધર્મશાળાઓમાં બુકિંગ શરૂ થઈ ચુક્યા છે. પહેલા દ્વારકામાં ફક્ત જગત મંદિરના દર્શનનો મહિમા હતો, પરંતું છેલ્લા કેટલાક સમયથી શિવરાજપુર, નાગેશ્વર જ્યોતિર્લિંગ, મોમાઈ ધામ, સિગ્નેચર બ્રીજ સાથે અવનવી રાઇટ્સ હોવાથી યુવાનો આકર્ષિત થઈ અહીં આવી રહ્યાં છે.