દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે જન્મદિવસ છે જેની ગુજરાત સહિત સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળલી ભેટ સોગાદ અને સ્મૃતિચિત્રોની હરાજી કરવામાં આવશે. તા. 7મી ઓક્ટોબર સુધી ઓનલાઈન હરાજી કરવામાં આવશે. વિવિધ સંસ્થાઓ અને વ્યક્તિ વેબસાઈટ https://pmmementos.gov.in મારફતે ઈ -ઓક્શનમાં ભાગ લઈ શકશે.
ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા મળેલી ભેટો અને સ્મૃતિચિત્રોની ઈ-હરાજીનું આયોજન કરી રહ્યું છે. સ્મૃતિચિન્હોમાં મેડલ વિજેતા ઓલિમ્પિયન્સ અને પેરાલિમ્પિયન્સના સ્પોર્ટ્સ ગિયર અને સાધનો, અયોધ્યા રામ મંદિર, ચારધામ, રુદ્રાક્ષ કન્વેન્શન સેન્ટરની પ્રતિકૃતિઓ, મેડેલો, શિલ્પો, પેઇન્ટિંગ્સ, અંગવસ્ત્રો વગેરેનો સમાવેશ થાય છે. ગંગાના સંરક્ષણ અને કાયાકલ્પને ધ્યાનમાં રાખીને ઈ-હરાજીમાંથી મળેલી રકમ નમામી ગંગે મિશનમાં જશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળતી ભેટ સોગાદોની વર્ષોથી હરાજી કરાય છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કાર્યરત હતા ત્યારે પણ દર વર્ષે મળતી ભેટ સોગાદોની હરાજી થતી હતી અને તેની રકમનો ઉપયોગ કન્યા કેળવણી સહિતના પ્રજાહિતના કાર્યોમાં થતો હતો.