Site icon Revoi.in

રાજકોટ શહેરના માર્ગો ઉપર દોડશે ઈ-બસ, 25 ઈલેક્ટ્રીક બસોનું સીએમ ભૂપેન્દ્ર પટેલે કરાવ્યું પ્રસ્થાન

Social Share

રાજકોટ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે રાજકોટની મુલાકાત દરમિયાન મહાનગરપાલિકાએ રૂ. 30 કરોડના ખર્ચે હાલમાં જ ખરીદેલી નવીન 25 ઈલેક્ટ્રિક બસોનું લોકાર્પણ કર્યું હતું. રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન ઓફિસ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં રાજકોટ દર્શનની બસનો પણ મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી આપીને શુભારંભ કરાવ્યો હતો. આજે લોકાર્પણ કરાયેલી બસો ઇલેકટ્રિક હોવાથી પર્યાવરણની પણ જાળવણી થશે અને જાહેર પરિવહન સેવા બહેતર બનશે.

આ તકે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલ વાઈબ્રન્ટ રાજકોટપુસ્તકનું વિમોચન પણ મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું. પુસ્તકમાં છેલ્લા અઢી વર્ષમાં રાજકોટ ખાતે હાથ ધરાયેલા વિકાસ કાર્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સરકારના ‘ભારે ઉદ્યોગ વિભાગ’ (Department of Heavy Industries-DHI) દ્વારા દેશનાં મુખ્ય શહેરોની જાહેર પરિવહન સેવામાં ઈ-મોબીલીટીની જરૂરીયાતને ધ્યાને લઈને ફેમ ઈન્ડીયા સ્કીમ ફેઈઝ-૨ યોજના અંતર્ગત રાજકોટ માટે પ્રથમ તબક્કામાં ૫૦ ઇલેક્ટ્રીક બસો આપવામાં આવી છે.

તમામ ઇ-બસો જાહેર પરિવહન સેવામાં ઉપયોગમાં છે. જ્યારે  રાજકોટ માટે બીજા તબક્કામાં 100 ઈલે. બસ મંજુર કરવામાં આવેલ છે. જે પૈકી હાલ પ્રથમ તબક્કામાં 25 બસોને આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો દ્વારા લીલીઝંડી આપી લોકાર્પિત કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં પ્રદુષણ ઘટાડવાની સાથે પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઘટાડવાની દિશામાં સરકાર દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે. જે અંગર્ગત ઈ-વાહનોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં સરકારી વાહનોમાં પણ હવે ઇ-વાહનોનો ઉપયોગ વધારવાની દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે.