ભૂજમાં નવ નિર્મિત ST બસપોર્ટ, તથા 18 વિકાસ કાર્યોનું E- લોકાર્પણ, ખાતમૂહુર્ત CMના હસ્તે કરાયું
ભૂજઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રૂ. 29.21 કરોડના ખર્ચે પીપીપી ધોરણે નવનિર્મિત આઇકોનિક ભુજ બસપોર્ટનું લોકાર્પણ કરીને નાગરિકોને ભેટ આપી હતી. મુખ્યમંત્રીએ કચ્છ જિલ્લાના વિવિધ 18 વિકાસકાર્યોનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કર્યું હતું.
ભુજમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છીમાડુઓને રૂ. 266 કરોડથી વધારેના કુલ 18 વિકાસકાર્યોની ભેટ આપતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ધદ્રષ્ટિ અને મક્કમ નેતૃત્વના લીધે ગુજરાત દરેક ક્ષેત્રમાં અગ્રેસર બનીને ઊભરી આવ્યું છે. સામાન્ય નાગરિકોના કલ્યાણ માટેની યોજના હોય કે પછી વિશ્વકક્ષાના વિકાસના પ્રોજેક્ટ હોય તે વડાપ્રધાનના બે દાયકાના સુશાસના વિકાસનું પરિણામ છે. મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે આજનો કાર્યક્રમ પરિવહન, પ્રવાસન, પ્રકાશ અને પાણીના સમન્વયનો વિકાસ ઉત્સવ બન્યો છે.
મુખ્યમંત્રીએ ભુજને આધુનિક બસપોર્ટ મળ્યું તે વાતની ખુશી સાથે જણાવ્યું હતું કે, વડાપ્રધાનએ એરપોર્ટ જેવી સુવિધાઓ ધરાવતા બસપોર્ટ બનાવવાનો વિચાર આપ્યો હતો. ગુજરાત સરકારે રાજ્યમાં 15 આઈકોનિક બસપોર્ટ બનાવવાનું નક્કી કર્યું છે. હાલમાં રાજ્યમાં 10 બસપોર્ટ કાર્યરત હતા આજે ભુજ ખાતે 11મું બસપોર્ટ કાર્યરત થયું છે. ભુજ બસપોર્ટના લોકાર્પણ થવાથી માત્ર કચ્છ જ નહીં સમગ્ર રાજ્યના પ્રવાસીઓને ઉત્તમ સુવિધા પ્રાપ્ત થશે.
મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, ગુજરાત સરકારના પ્રયત્નોથી કચ્છના પ્રથમ સરહદી ગામ કુરન સુધી પાણી પહોંચ્યું છે. વિકાસના કામોથી કચ્છવાસીઓના ઈઝ ઓફ લિવિંગમાં વધારો થશે. ગુજરાતની વિકાસયાત્રામાં વડાપ્રધાનએ કચ્છને હંમેશા મોખરે રાખ્યું છે. ભૂકંપના આઘાતમાંથી ફિનિક્સ પક્ષીની જેમ કચ્છને બેઠું કરવાનું કામ વડાપ્રધાનએ કર્યું હતું. અનેક વિશ્વકક્ષાના વિકાસના પ્રકલ્પોથી કચ્છ આજે દુનિયામાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. વડાપ્રધાનની દીર્ધદ્રષ્ટિ અને કચ્છની પ્રજાના ખમીરના લીધે ધોરડો ઈન્ટરનેશનલ ટૂરિઝમ ડેસ્ટિનેશન બન્યું છે. મુખ્યમંત્રીએ WTO દ્વારા ધોરડોને બેસ્ટ ટૂરિઝમ એવોર્ડ આપવામાં આવ્યો છે તે અંગે સૌને અભિનંદન પાઠવ્યા હતા.
ધોરડો રણોત્સવ, નર્મદાના નીરનું અવતરણ, રિન્યુએબલ એનર્જી પાર્ક, ગ્રીન હાઈડ્રોજન પ્લાન્ટનો ઉલ્લેખ કરીને મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ગુજરાતની વિકાસયાત્રામાં કચ્છ હંમેશા સુપર વાઈબ્રન્ટ પાર્ટિસિપન્ટ રહ્યું છે. વોચ ટાવર ઉપર કાયમી લાઈટ અને સાઉન્ડ શૉના ઉદ્ધાટનથી રણોત્સવની શાન અને લોકપ્રિયતામાં વધારો થશે તેમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.
આ પ્રસંગે નાણાંમંત્રી કનુભાઇ દેસાઇએ કચ્છની ભૂમિ પર આકાર લેતા ઊર્જા પ્રકલ્પોનો ઉલ્લેખ કરીને તેને વડાપ્રધાનના વિઝનનું પરીણામ ગણાવ્યું હતું. ટૂરીઝમનો વિકાસ, નર્મદા નીરની પધારમણી, ઊર્જા પ્રકલ્પો તેમજ ઓદ્યોગિક દ્રષ્ટિએ કચ્છના વિકાસનો શ્રેય વડાપ્રધાનને આપતા તેમણે વર્તમાન સમયને કચ્છનો સુર્વણકાળ ગણાવ્યો હતો.
આ પ્રસંગે ગૃહરાજ્યમંત્રી તથા વાહનવ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છના નાગરિકોને નવા આઇકોનિક બસપોર્ટના લોકાર્પણ અંગે અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, ભુજનું આ બસપોર્ટ રાજ્યમાં દ્ર્ષ્ટાંતરૂપ છે. 25 હજાર મુસાફરોને નવા બસપોર્ટથી લાભાન્વિત થશે ત્યારે આ આધુનિક સુવિધાસભર બસપોર્ટ હંમેશા આવું જ બની રહે તે માટે સ્વચ્છતા જાળવવા અનુરોધ કર્યો હતો.