- વાહન ચાલકો પાસેથી 70.80 કરોડનો દંડ વસુલાયો
- ઈ-મેમોને ગંભારતાથી નથી લેવા વાહન ચાલકો
- રાજકોટમાં રૂ. 104 કરોડનો દંડ વસુલવાનો બાકી
અમદાવાદઃ ગુજરાતમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા વાહન ચાલકોને પોલીસ દ્વારા ઈ-મેમો મોકલવામાં આવે છે. દરમિયાન બે વર્ષના સમયગાળામાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરવા બદલ 72.60 લાખ વાહન ચાલકોને ઈ-મેમો આપવામાં આવ્યાં છે. જે પૈકી 70.80 કરોડનો દંડ વસુલવામાં આવ્યો છે. રાજ્યમાં છેલ્લા કેટલાક વર્ષોથી ટ્રાફિકના નિયમન માટે ઠેર-ઠેર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યાં છે. તેમજ ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકને દંડ ફટકારવામાં આવે છે. જો કે, અનેક વાહન ચાલકો ઈ-મેમોને ગંભીરતાથી નહીં લેતા હોવાનું જાણવા મળે છે. રાજ્યમાં સૌથી વધુ રાજકોટમાં 104 કરોડ જેટલી માતબર રકમ વસૂલવાની બાકી હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટમાં બે વર્ષના સમયગાળામાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરવા બદલ 17.83 લાખ વાહન ચાલકોને ઈ-મેમો આપવામાં આવ્યો છે. જ્યારે ગાંધીનગરમાં 1.87 લાખ, વડોદરામાં 13.54 લાખ, અમદાવાદ જિલ્લામાં 26.72 લાખ લોકોને ઇ-મેમો ફટરાયા હતાં. બીજી તરફ રાજકોટમાં દંડ પેટે રૂા.20.85 કરોડ, વડોદરામાં રૂા.10.63 કરોડ, અમદાવાદમાં 19.87 કરોડ,સુરતમાં 4.81 કરોડ, ગાંધીનગરમાં 7.38 કરોડ વસૂલવામાં આવ્યા હતાં.
ટ્રાફિકના નિયમોનો ભંગ ન થાય તે માટે ટ્રાફિક સિગનલ પર કેમેરા લગાવાયાં છે જેના થકી નિયમોનું ઉલ્લંઘન કરનારાં વાહન ચાલકને ઇ-મેમો અપાય છે. પરંતુ અનેક વાહન ચાલકો ઈ-મેમોને ગંભીરતાથી લેતા નથી. તેમજ દંડ ભરતા નહીં હોવાનું જાણવા મળે છે. જેથી દંડની રકમની વસુલાત માટે ટ્રાફિક વિભાગ માટે કામગીરી શરૂ કરવામાં આવી છે. રાજકોટમાં 104 કરોડ અને અમદાવાદમાં 79.94 કરોડનો ઇ મેમો દંડ વસૂલવાનો બાકી હોવાનું જાણવા મળે છે. રાજ્યમાં માત્ર ડાંગ જિલ્લામાં જ ઈ-મેમો સિસ્ટમનો અમલ કરવામાં આવતો નથી.