1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં ઈ-ટ્રાફિક કોર્ટ શરૂ કરાશે, વાહનચાલકોને કોર્ટમાં હાજર રહેવામાંથી મુક્તિ મળશેઃ ચીફ જસ્ટિસ
ગુજરાતમાં ઈ-ટ્રાફિક કોર્ટ શરૂ કરાશે, વાહનચાલકોને કોર્ટમાં હાજર રહેવામાંથી મુક્તિ મળશેઃ ચીફ જસ્ટિસ

ગુજરાતમાં ઈ-ટ્રાફિક કોર્ટ શરૂ કરાશે, વાહનચાલકોને કોર્ટમાં હાજર રહેવામાંથી મુક્તિ મળશેઃ ચીફ જસ્ટિસ

0
Social Share

ગાંધીનગરઃ ગુજરાત નૅશનલ લો યૂનિવર્સિટી ગાંધીનગર ખાતે “ટેકનોલોજીમાં ઉભરતા પ્રવાહો અને તેની કાયદા, ફોજદારી ન્યાય અને જાહેર નીતિ પરની અસર” વિષય પર 13મી એશિયન ક્રિમિનોલોજી કોન્ફરન્સમાં ખાસ ઉપસ્થિત રહેલા ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ અરવિંદ કુમારે કોર્ટમાં પડતર કેસો પર ધ્યાન કેન્દ્રિત કરવાની હાકલ કરીને મોટર એક્સિડન્ટ ક્લેમનાં કેસોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને ઝડપથી પડતર કેસોનો નિકાલ કરી શકાય તેમ જણાવ્યું હતું  તેમણે ઉમેર્યું હતું કે,  આગામી ટૂંક સમયમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્યમાં ઈ-ટ્રાફિક કોર્ટ શરૂ કરાશે. જેથી ટ્રાફિકનું ઉલ્લંઘન કરનારાઓએ કોર્ટમાં હાજર રહેવાની અને રૂબરૂમાં દંડ ભરવાની જરૂર રહેશે નહીં.

ગુજરાત નૅશનલ લો યૂનિવર્સિટી ખાતે 13મી ત્રિ દિવસીય એશિયન ક્રિમિનોલોજી કોન્ફરન્સનો પ્રારંભ કરાયો હતો. જેના ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ અરવિંદ કુમારે જણાવ્યું હતું કે, કોર્ટમાં પડતર કેસો પર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે. જો આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને કોર્ટના કેસોના ઝડપી નિકાલ માટે ઉકેલ લાવવામાં આવે તો આ કોન્ફરન્સ ગેમ ચેન્જર બની શકે છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) કોર્ટ કેસોનો ઝડપી નિકાલમાં મદદ કરી શકે છે. ઉદાહરણ તરીકે, મોટર એક્સિડન્ટ ક્લેમ ટ્રિબ્યુનલ સમક્ષ નાની ઇજા માટે વળતરના ઘણા કેસનો AIનો ઉપયોગ કરીને ઝડપથી નિકાલ કરી શકાય છે.

ચીફ જસ્ટિસ અરવિંદ કુમારે વધુમાં જણાવ્યું હતું કે, ટેકનોલોજી જેટ ગતિએ આગળ વધી રહી છે. ડ્રાઇવર વિનાની કાર આપણા દેશમાં ટૂંક સમયમાં વાસ્તવિકતા બની શકે છે. પ્રશ્ન એ છે કે શું આપણા પોલીસ તપાસકર્તાઓ, ફોરેન્સિક સાયન્સ નિષ્ણાતો, અદાલતો અને ન્યાયિક અધિકારીઓ પ્રશિક્ષિત છે અને ઝડપથી આગળ વધતી ટેકનોલોજીના પડકારોનો સામનો કરવા માટે તૈયાર છે? ગુજરાત હાઈકોર્ટ દ્વારા લેવાયેલા પગલા વિશે વિસ્તૃત માહિતી આપતાં તેમણે ઉમેર્યું હતું કે, હાઈકોર્ટમાં જસ્ટિસ ક્લોક ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે, જે પેન્ડિંગ કેસોની અને નિકાલ કરાયેલ કેસોની સંખ્યા, વિગેરે આકડા રીઅલ-ટાઇમમાં જાહેરમાં પ્રદર્શિત કરે છે. હવે કોઈપણ અરજદાર “Email My Case Status” માટે એકવાર નોંધણી કરાવી તેના કેસ અદાલત સમક્ષ લિસ્ટ થવા અંગે અને નિકાલ અંગે માહિતી મેળવી શકે છે.

ચીફ જસ્ટિસે વધુમાં ઉમેર્યું હતું કે,  ગુજરાત હાઈકોર્ટ ટૂંક સમયમાં રાજ્યમાં ઈ-ટ્રાફિક કોર્ટ શરૂ કરશે. ટ્રાફિકનું ઉલ્લંઘન કરનારાઓએ કોર્ટમાં હાજર રહેવાની અને રૂબરૂમાં દંડ ભરવાની જરૂર રહેશે નહીં. તેના બદલે, તેઓ તેમના ઘર અથવા ઓફિસ માંથી સરળતાથી ઇ-કોર્ટમાં હાજરી આપી શકશે અને થોડી મિનિટોમાં ઓનલાઇન દંડ ભરી શકશે. ઈ-ટ્રાફિક કોર્ટ રાજ્યમાં હજારો ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારાઓનો સમય, નાણાં અને શક્તિ બચાવી શકશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code