નવી દિલ્હીઃ મુંબઈઃ ઈ-વાહનની નીતિ હેઠળ નાસિક મનપાએ શહેરમાં 106 સ્થળો ઉપર ચાર્જીંગ સ્ટેશન બનાવવાનો નિર્ણય લીધો છે. નાસિકમાં ચાર્જિંગ સ્ટેશન માટે વિવિધ કંપનીઓએ પણ તૈયારીઓ શરુ કરી છે. નાસિકમાં ઈ-વાહનોની સંખ્યામાં સતત વધારો થવા ચાર્જિંગ સ્ટેશન બનાવવાનો નિર્ણય લેવાયો છે. દેશમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ઈ-વાહનોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. જેથી ઇ-વાહન ચાલકોને ચાર્જિંગ સુવિધાઓ મળી રહે તે દિશામાં કેન્દ્ર સરકાર કામગીરી કરી રહી છે. કેન્દ્ર સરકાર ઈ-વાહનોને લઈને લોકોમાં જાગૃતિ ફેલાય તે માટે સબસીડી સહિતના પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.
દરમિયાન કેન્દ્રીય તેલ મંત્રાલયની પેનલે પ્રસ્તાવ મૂક્યો છે કે, ભારતે 2027 સુધીમાં દેશના તમામ મોટા શહેરોમાં ડીઝલ ફોર વ્હીલરના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવો જોઈએ. આ પ્રસ્તાવ દેશમાં સ્વચ્છ ગતિશીલતા ઉકેલોને પ્રોત્સાહન આપવા માટે આવ્યો છે. સુત્રોના જણાવ્યા અનુસાર, પેનલે એવા શહેરોમાં જ્યાં 10 લાખથી વધુ લોકો રહે છે ત્યાં શુદ્ધ ઈલેક્ટ્રિક અને ગેસ ઈંધણવાળા વાહનો પર સ્વિચ કરવાની તરફેણમાં હિમાયત કરી છે. પેનલે વાહનોના ઉત્સર્જનને ઘટાડવા માટે પ્રદૂષિત શહેરોમાં ડીઝલ ફોર-વ્હીલર પર દેશવ્યાપી પ્રતિબંધનો પ્રસ્તાવ પણ મૂક્યો છે.
ભારત ગ્રીનહાઉસ વાયુઓના મુખ્ય ઉત્સર્જકોમાંનું એક છે, અને વાહનોનું ઉત્સર્જન આમાં નોંધપાત્ર યોગદાન આપનાર છે. ગ્રીનહાઉસ વાયુઓના ઘટાડા તરફની તેની પ્રતિબદ્ધતાના ભાગરૂપે, ભારત સરકાર અનેક પગલાં લઈ રહી છે, અને એકંદર ઉત્સર્જનમાં નોંધપાત્ર યોગદાન આપનાર તરીકે, ઓટોમોબાઈલ ઉદ્યોગ પણ વર્ષોથી અનેક વિક્ષેપજનક વલણોનો સામનો કરી રહ્યો છે. ભારતભરના મુખ્ય શહેરો અને પ્રદૂષિત શહેરોમાં તમામ ડીઝલ ફોર-વ્હીલર પર પ્રતિબંધ મૂકવાની નવીનતમ દરખાસ્ત એ જ વ્યૂહરચનાનો એક ભાગ છે.
હાલમાં, ભારતમાં શુદ્ધ ઇંધણના વપરાશમાં ડીઝલનો હિસ્સો લગભગ બે-પાંચમા ભાગનો છે, જેમાંથી 80 ટકા પરિવહન ક્ષેત્રમાં વપરાય છે. દેશમાં કોમર્શિયલ વાહનોનો કાફલો મુખ્યત્વે ડીઝલ પર ચાલે છે, પેસેન્જર વાહનોનો મોટો હિસ્સો પણ તે જ ઇંધણનો ઉપયોગ કરે છે.
પેનલે કહ્યું હતું કે, આ દાયકાના અંત સુધીમાં કોઈ પણ અશ્મિ-ઈંધણથી ચાલતી સિટી બસોને ફ્લીટમાં સામેલ કરવી જોઈએ નહીં. પેનલે માત્ર ઈલેક્ટ્રિક બસોને સામેલ કરવાની તરફેણમાં હિમાયત કરી છે. પેનલે અહેવાલમાં કથિત રીતે જણાવ્યું હતું કે, “2030 સુધીમાં, સિટી બસો કે જે ઈલેક્ટ્રિક નથી તેને સામેલ કરવી જોઈએ નહીં… સિટી ટ્રાન્સપોર્ટ માટે ડીઝલ બસોને 2024 પછીથી બાકાત રાખવી જોઈએ.” જો કે, તે સ્પષ્ટ નથી કે તેલ અને ગેસ મંત્રાલય આ દરખાસ્તોને લાગુ કરવા માટે કેબિનેટની મંજૂરી લેશે કે કેમ.
પેનલે કથિત રીતે એમ પણ કહ્યું છે કે સરકારે 31 માર્ચ પછી ફાસ્ટર એડોપ્શન એન્ડ મેન્યુફેક્ચરિંગ ઓફ ઈલેક્ટ્રિક એન્ડ હાઈબ્રિડ વ્હિકલ્સ સ્કીમ (FAME) હેઠળ આપવામાં આવેલા ઈલેક્ટ્રિક વાહનો માટેના પ્રોત્સાહનોના લક્ષિત વિસ્તરણ પર વિચાર કરવો જોઈએ. પેનલનું માનવું છે કે આવા પગલાથી ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગને પ્રોત્સાહન મળશે.