Site icon Revoi.in

સુરત એરપોર્ટ પર વિદેશી પ્રવાસીઓ માટે ઈ-વિઝા સેવા ચાલુ કરાશે

Social Share

સુરતઃ શહેરના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર વિદેશથી આવતા પ્રવાસીઓ માટે ઈ-વિઝા સેવા શરૂ કરવામાં આવશે. એવિએશન કમિટી દ્વારા કરવામાં આવેલી ઉચ્ચસ્તરીય રજૂઆતોને પગલે વિદેશથી સુરત આવતા પેસેન્જરોને હવે E-Visaની સુવિધા મળી રહશે. શહેરના ઇન્ટરનેશનલ એરપોર્ટનાં કાઉન્ટર પર ઈ-વિઝા સેન્ટરની સુવિધા નથી. એને લીધે વિદેશથી સુરત આવતા પેસેન્જરને ઈ-વિઝાના અભાવે મુંબઈ, અમદાવાદ, દિલ્હી એરપોર્ટ ઉતરાણ કરવું પડતું હતું. ખાસ કરીને ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં વિદેશી બાયરો ઈ-વિઝા સાથે પ્રવાસ કરતાં હતાં. તેઓને મુંબઈ, અમદાવાદ આવી સુરત આવવું પડતું હતું. ચેમ્બર્સની રજુઆત બાદ ઈ-વિઝા સેવા શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ સુરતના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર વિદેશી પ્રવાસીઓની સંખ્યા વધતા જાય છે. એટલે શહેરની  સ્થાનિક સંસ્થાઓ અને ચેમ્બર દ્વારા આ મામલે સરકારને પત્ર લખી સુરત એરપોર્ટને ઈ-વિઝા સુવિધા સાથે જોડવા માગ કરી હતી. એને સૈદ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવી છે. એકાદ- બે મહિનામાં ઇમિગ્રેશન કાઉન્ટર પાસે કાઉન્ટર અને વધારાનો સ્ટાફ ફાળવી આપવામાં આવશે. ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટ દ્વારા ઈ-વિઝા સેન્ટર માટે જગ્યા, સ્કેનર ક્યાં મૂકવું એનું તાજેતરમાં નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું. ટૂંકમાં ઈ-વિઝા પોર્ટલમાં સુરતનું નામ જોડાઈ ગયા પછી જે પેસેન્જર વાયા દુબઈ, શારજાહથી સુરત આવવા માગે છે તેઓને આ-વિઝા સરળતાથી મળી શકશે. ઈ-વિઝા સુવિધા મંજૂર થઈ જતાં હવે સ્ટાફ તથા કેબિન ફાળવણીની પ્રક્રિયા બાકી છે. હાલ રાજ્ય પોલીસ ઈમિગ્રેશન સંભાળી રહ્યું છે, પરંતુ ટૂંક સમયમાં ઈમિગ્રેશન વિભાગ દ્વારા સંચાલન કરાશે.

સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ હોવા છતાં પેસેન્જર સેન્ટ્રિક સુવિધાઓનાં અભાવે ભારતનાં ઈ-વિઝા હોવા છતાં વિદેશી મુસાફરોને દુબઇ કે શારજાહથી સુરતની સીધી ફલાઇટમાં ચઢવા દેવાતા નહોતા. કોઈ દેશનાં ઇલેક્ટ્રોનિક વિઝા હોવા છતાં એ જ દેશના એરપોર્ટ પર ઉતરવા નહીં દેવાતા હોવાની ઘટનાનો ભોગ બનેલા વિદેશી નાગરીકો ડઘાઇ રહ્યાં હતાં. આ મુદ્દે સ્થાનિક આગેવાનોએ રજૂઆતો કરી હતી. અનેક દેશોમાં આવેલી ઇન્ડિયન એમ્બેસી દ્વારા ભારત આવવા માંગતા ત્યાંના નાગરીકોને ઈ-વિઝા ઈશ્યૂ કરવામાં આવે છે. ઈ-વિઝા સૌથી સલામત નેક્સ્ટ જનરેશન ટ્રાવેલિંગ પરમિટ તરીકે વિકસી રહ્યા છે.