અમદાવાદઃ પ્રદેશ કોંગ્રેસના નવ નિયુક્ત પ્રભારી અને સાંસદ મુકુલ વાસનિક પ્રભારીનો કાર્યભાર સંભાળવા માટે આવી પહોંચતા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ નવ નિયુક્ત પ્રભારીનું ભાવભીનું સ્વાગત કર્યું હતુ. સરદાર પટેલ એરપોર્ટથી રાજીવ ગાંધી ભવન સુધી બાઈક રેલી યોજી સ્વાગત કરાયું હતું. મુકુલ વાસનીકએ સાબરમતી આશ્રમ ખાતે પૂજ્ય મહાત્મા ગાંધીજીની પ્રતિમા અને સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલી કરી આશીર્વાદ મેળવ્યાં હતાં ત્યારબાદ રાજીવ ગાંધી ભવન ખાતે વિસ્તૃત કારોબારીમાં ભાગ લીધો હતો.
રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારીને સંબોધન કરતાં ગુજરાત કોંગ્રેસ સંગઠન પ્રભારી અને સાંસદ મુકુલ વાસનિકએ જણાવ્યું હતું કે, ગુજરાત સાથે મારો સંબંધ ઘણો જુનો છે. એન.એસ.યુ.આઈ.ના રાષ્ટ્રીય પ્રમુખ તરીકે કામગીરી વખતે ગુજરાત આવવાનો અવસર મળ્યો હતો ત્યારથી લઈને છેલ્લા કેટલાય લાંબા સમયથી ગુજરાત સાથે જોડાયેલો છું. ગુજરાતે હંમેશા મને સ્નેહ અને પ્રેમ આપ્યો છે. આગામી દિવસોમાં ગુજરાત કોંગ્રેસનું સંગઠન વધુ મજબુત બનાવવામાં આવશે તે માટે તાલુકા-જીલ્લા અને પ્રદેશ કક્ષા સ્તરે પણ ચોક્કસ જવાબદારી નક્કી કરવામાં આવશે. પ્રતિભા ધરાવતા લોકોને યોગ્ય કામગીરી-જવાબદારી સાથે સંગઠનમાં સ્થાન આપવામાં આવશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, લોકસભાની 2004ની ચૂંટણીમાં આવેલા ચોકાવનારા પરિણામ જેવા જ સકારાત્મક પરિણામ આવશે તે માટે કોંગ્રેસ પક્ષ કટિબધ્ધતા રાખી ‘ગો ટુ ધ પીપલ’ એટલે કે જનસંપર્ક કાર્યક્રમો કરશે. ગુજરાતમાં 27 વર્ષથી શાસન કરતી ભાજપ સરકારની પ્રજા વિરોધી નીતિઓને કારણે ગુજરાતના સામાન્ય, મધ્યમ વર્ગ, મહિલાઓ, ખેડૂતો, યુવાનો હેરાન -પરેશાન થયા છે. રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી દલિત, આદિવાસી, વંચિત અને લઘુમતિ સમાજના લોકો પર અત્યાચારોની ઘટના વધી રહી છે. જ્યારે તેમાં કન્વીક્શન રેટ રાષ્ટ્રીય સરેરાશ કરતા પણ ખુબ ઓછો છે. મહિલા સશક્તિકરણની વાતો કરતી ભાજપ સરકારના શાસનમાં છડેચોક મહિલાઓ પર અત્યાચાર થઈ રહ્યાં છે. કોઈ મહિલા ઉપર બળાત્કાર – હત્યા – અત્યાચારની ઘટનાઓ એ ભારતની આન,બાન, શાન પર પ્રહાર સમાન છે. મધ્યપ્રદેશના “વ્યાપમ કૌભાંડ” કરતા પણ વધુ “વ્યાપક ભરતી કૌભાંડ” ભાજપ શાસનમાં ગુજરાતમાં થઈ રહ્યો છે. આજે ગુજરાતના 47.51 લાખ ખેડૂતોના માથે કુલ 1 લાખ કરોડ રૂપિયાથી વધુનું દેવું છે.
પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ભાજપ સરકાર ‘મિત્ર’ ઉદ્યોગપતિઓના લાભાર્થે સરકારી તિજોરી લૂંટાવી રહી છે, કરોડો રૂપિયાના કૌભાંડ થાય અને સરકાર આંખ આડા કાન કરે ત્યારે તેનો હિસાબ માંગવાનો સમય આવી ગયો છે. નોટબંધીની લાંબી કતારો, જી.એસ.ટી.ની જાળમાં ફસાયેલા નાના વ્યાપારી હોય કે આત્મહત્યા કરતો ખેડૂત, પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે.
વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપ સરકારી મશીનરીનો બેફામ દુરુપયોગ કરી રહી છે. વિશેષતઃ પોલીસ તંત્રનો રાજકીય હાથા તરીકે ઉપયોગ કરીને રાજકીય દ્વેષ દાખવવામાં આવે છે. એક સમયે શાંતિ, કાયદો અને વ્યવસ્થા માટે સમગ્ર દેશના ઉદાહરણરૂપ આપણું ગુજરાત આજે સામાન્ય પ્રજાજનો માટે અસલામત બની ગયું છે.