Site icon Revoi.in

ગુજરાતના અનેક શહેરોમાં વહેલી સવારે ધૂમ્મસ સર્જાયું, 15મી ફેબ્રુઆરી બાદ ઠંડીમાં ઘટાડો થશે

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં લધુત્તમ તાપમાનમાં આંશિક વધારો થયો હોવા છતાં ઠંડા પવનને કારણે ઠંડીનું જાર યથાવત રહ્યું છે. હવામાન વિભાગના કહેવા મુજબ હજુ આગામી 15મી ફેબ્રુઆરી સુધી ઠંડીનું પ્રભુત્વ રહેશે. આ પછી ઠંડીના જોરમાં તબક્કાવાર ઘટાડો થવા લાગશે. આજે વહેલી સવારથી જ અમદાવાદમાં વહેલી સવારથી જ ધુમ્મસ છવાઈ જતાં હિલ સ્ટેશન જેવું વાતાવરણ જોવા મળ્યું હતુ. ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઘટતાં રસ્તા પર વાહનચાલકોએ વાહનની લાઈટો ચાલુ કરવી પડી હતી. સામેની બાજુએથી આવતું વાહન દેખાતું જ ન હોવાથી વાહનચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તે ઉપરાંત સૌરાષ્ટ્રમાં પણ જેતપુર ગોંડલ નેશનલ હાઈવે પર ભારે ઝકાળ વર્ષા થઈ હતી.

હવામાન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે રાજ્યમાં આગામી 3 દિવસ સુધી સૂકું વાતાવરણ રહેશે. આગામી 3 દિવસ સુધી તાપમાનમાં  બેથી ત્રણ  ડીગ્રી તાપમાનમાં વધારો થવાની શક્યતા છે. આગામી ત્રણ દિવસ સુધી અમદાવાદમાં 5 ડીગ્રી સુધી તાપમાનનો પારો ઊંચકાઈ શકે છે. બીજી ફેબ્રુઆરીએ માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ અપીલ કરવામાં આવી છે. દરિયા પર પવનો ફૂંકાવાની શક્યતાને કારણે માછીમારોને દરિયાનો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે. સૂકા પવનોની અસરથી અમદાવાદ સહિત રાજ્યભરમાં તાપમાનમાં વધારો થતાં ઠંડીમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે. સમગ્ર રાજ્યમાં 8.2 ડીગ્રી સાથે ગાંધીનગરમાં સૌથી વધુ ઠંડી નોંધાઇ હતી, જ્યારે અન્ય તમામ શહેરોમાં ઠંડીનો પારો 10 ડીગ્રીથી વધુ નોંધાતાં ઠંડીમાં ક્રમશ ઘટાડો થયો છે.

ઉત્તર ગુજરાતને વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસર આગામી ત્રણેક દિવસ રહેવાની સંભાવના છે. ભેજવાળા પવનને કારણે અંશત: વાદળછાયું વાતાવરણ બની શકે છે તેમજ તાપામાનમાં અસામાન્ય ફેરફાર જોવા મળી શકે છે. આગામી તા.3 ફેબ્રુઆરી સુધીમાં લઘુતમ તાપમાન 2થી 4 ડીગ્રી ઊંચકાઈ શકે છે. બીજી તરફ સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારોમાં ધુમ્મસની ચાદર પથરાઈ ગઈ હતી. રાજકોટમં જેતપુર ગોંડલ નેશનલ હાઈવે પર પણ આજે સવારે ભારે ઝાકળ વર્ષા થઈ હતી. રોડ પર ઝાકળ પડવાને કારણે રોડ ભીના થઈ ગયાં હતાં.  ઉપરાંત હાઈવે પર ધુમ્મસને કારણે વીઝિબિલિટી ઘટતા વાહનોની રફતાર ઘટી ગઈ હતી. રાજકોટમાં અનેક જગ્યાએ ધુમ્મસને કારણે હિલસ્ટેશન જેવા દ્રશ્યો સર્જાયા હતાં.રાજકોટ, ગોંડલ, વીરપુર અને જસદણમાં આજે સતત બીજા દિવસે સવારે ઠેર-ઠેર તાપમાનનો પારો ગગડતા ગુલાબી ઠંડીનો અહેસાસ પણ થયો હતો. આજે રાજકોટ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ 100 ફૂટ દૂર વસ્તુ કે વાહન ન દેખાય તેવું ગાઢ ધુમ્મસ છવાયું હતું. આથી હાઈવે અને શહેરમાં વાહનચાલકોએ ફરજીયાત હેડલાઈટ ચાલુ રાખવાની ફરજ પડી હતી.