Site icon Revoi.in

પાલનપુર હાઈવે પર વહેલી સવારે ટ્રેલરચાલકને ઝોકું આવી જતાં ટ્રેલરે પલટી મારી, ટ્રાફિક જામ

Social Share

પાલનપુરઃ બનાસકાંઠામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ આબુરોડ-પાલનપુર હાઈવે પર અમીરગઢના ચેખલા પાટિયા પાસે બન્યો હતો, વહેલી સવારે એક ટ્રેઈલર ચાલકને ઝોકું આવી જતા ટ્રેઈલર રોડના ડિવાઈડર સાથે ટકરાઈને પલટી મારી ગયું હતું. આ અકસ્માતને કારણે હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો હતો. અકસ્માતના બનાવની જાણ થતાં અમીરગઢ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.

આ અકસ્માતના બનાવની વિગતો એવી જાણવા મળી છે. કે, બનાસકાંઠા જિલ્લામાં આજે વહેલી પરોઢે એક ટ્રેઈલર ચાલાક આબુરોડ તરફથી પથ્થરનો વાઈટ પાઉડર ભરીને પાલનપુર તરફ જઈ રહ્યો હતો, તે સમય દરમિયાન અમીરગઢના ચેખલા ગામના પાટિયા પાસે ટ્રેઈલર ચાલકને ઝોકું આવી જતા સ્ટિયરીંગ પરથી ચાલકે કાબુ ગુમાવ્યો હતો. જે બાદ ટ્રેઈલર રોડના ડીવાઈડર સાથે અથડાયુ હતું. તેમજ ટ્રેઈલર રોડ વચ્ચે પલટી મારી ગયું હતું. ટ્રેઈલરમાં વાઈટ પાઉડરના કટ્ટા ભરેલા હતા જે રોડ પર વેરાતા હાઇવે પર ટ્રાફિક જામના દ્દશ્યો જોવા મળ્યા હતા. બનાવના પગલે અમીરગઢ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ટ્રાફિક નિયંત્રણ કરાવી હાઇવે ખુલ્લો કરાવ્યો હતો. જોકે, અકસ્માતમાં ટ્રેઈલર ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.

બીજો અકસ્માતને બનાવ શિહોરી હાઈવે પર મેલુસણ ગામ પાસે સર્જાયો હતો. પાટણ – શિહોરી હાઈવે પર મેલુસણ ગામ નજીક કાર અને બાઈક સામસામે અથડાતાં અકસ્માત સર્જાયો હતો જેમાં બાઈક ચાલક ગંભીર રીતે ઘાયલ થતા સ્થાનિક લોકોએ 108ને જાણ કરતા ઈજાગ્રસ્ત બાઈક ચાલક મેહુલસિંહ મોકુજી ઠાકોરને ધારપુર સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. શિહોરી તરફથી આવી કાર અને પાટણ બાજુથી આવી રહેલી બાઈક બન્ને વાહનો સામસામે અથડાતાં કાંકરેજ તાલુકાના શિહોરીના બાઈક ચાલક મેહુલસિંહ ઠાકોરને હાથના અને માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી કાર ચાલક કાર મુકીને રફુચક્કર થઈ ગયો હતો.