રાજકોટ પંથકમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ, હાઈવે પર વિઝિબિલિટી ઘટતા વાહનચાલકો થયા પરેશાન
રાજકોટઃ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે, મંગળવારે 32 તાલુકામાં કમોસમી વરસાદના છાંટણા પણ પડ્યા હતા. તેના લીધે ઠંડીનું જોર પણ વધ્યું છે. આજે બુધવારે રાજકોટ શહેર અને જિલ્લામાં વહેલી પરોઢે ગાઢ ધુમ્મસને કારણે લોકોએ ગુલાબી ઠંડીનો અનુભવ કર્યો હતો. રાજકોટમાં વહેલી સવારથી ગાઢ ધુમ્મસ છવાયું હતું. આથી 9.30 વાગ્યા સુધી સૂર્યનારાયણના દર્શન પણ દુર્લભ બન્યા હતા. બીજી તરફ વીરપુર, ગોંડલ અને જસદણ પંથકમાં પણ ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું. ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઘટતા હાઇવે પર પસાર થતા વાહનચાલકોને પરેશાની ભોગવવી પડી હતી. ગાઢ ધુમ્મસની સૌથી વધારે અસર જીરાના પાકને થઇ રહી છે, આથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
રાજકોટ જિલ્લામાં વહેલી પરોઢથી જ ગાઢ ધૂમ્મસ છવાતા હોઈવે પર વાહનચાલકો પરેશાન થયા હતા. યાત્રાધામ વીરપુરમાં સતત પાંચમા દિવસે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. સવારથી જ ગાઢ ધુમ્મસને કારણે હાઇવે ચોમાસાની જેમ ભીના થયા હતા. રોડ-રસ્તાઓ પર વિઝિબિલિટી ઘટતા વાહનચાલકોને હેડ લાઈટ ચાલુ રાખવાની ફરજ પડી હતી. વહેલી સવારથી ઝાકળભર્યા વાતાવરણથી જિલ્લામાં કાશ્મીર જેવા આહલાદક નજારો જોવા મળ્યો હતો. ખેડૂતોએ વાવેલા શિયાળુ પાક ચણા, ધાણા, જીરા સહિતને નુકસાની ભીતિ સેવાતા જગતનો તાત ચિંતામાં મૂકાયો છે. જસદણ પંથકમાં પણ ગાઢ ધુમ્મસ છવાયું હતું. આટકોટમાં આજે વહેલી સવારથી 9 વાગ્યા સુધી ગાઢ ધુમ્મસ છવાતા વાહનચાલકોને લાઈટો ચાલું રાખવી પડી હતી. ગઇકાલે જસદણ પંથકમાં વરસાદ પડ્યો હતો અને આજે સવારે ગાઢ ધુમ્મસ છવાયું હતું. હાલ લોકો ચોમાસુ અને શિયાળાનો અનુભવ કરી રહ્યા છે.