બિલ્કીસ કેસમાં 11 દોષિતોની વહેલી મુક્તિ રદ, બે અઠવાડિયામાં સરેન્ડર કરવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ
નવી દિલ્હી: 2002ના ગુજરાત રમખાણો દરમિયાન બિલ્કીસ બાનો પર સામૂહિક બળાત્કાર અને તેના પરિવારના સાત સભ્યોની હત્યાના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા 11 દોષિતોને 2022માં સમય પહેલા મુક્તિ આપવાના ગુજરાત સરકારના નિર્ણયને સુપ્રીમ કોર્ટે સોમવારે ગેરકાયદે ગણાવ્યો હતો. સુપ્રીમ કોર્ટે દોષિતોને બે અઠવાડિયામાં આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો છે.
જસ્ટિસ બી.વી. નાગરથના અને જસ્ટિસ ઉજ્જલ ભુયાનની ખંડપીઠે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે આ કેસમાં માફીના મુદ્દે નિર્ણય લેવો એ ગુજરાત સરકારના અધિકારક્ષેત્રમાં આવતો નથી, તેથી સરકારનો માફીનો નિર્ણય રદ કરવામાં આવે છે. બેંચે કહ્યું કે આ કેસની સુનાવણી મહારાષ્ટ્રની કોર્ટમાં થઈ હતી, તેથી માફીનો નિર્ણય લેવો એ ત્યાંની સરકારના અધિકારક્ષેત્રમાં આવે છે.
ગુજરાત સરકારની 1992ની માફી નીતિ હેઠળ બકાભાઈ વહોનિયા, જસવંત નાઈ, ગોવિંદ નાઈ, શૈલેષ ભટ્ટ, રાધેશ્યામ શાહ, વિપિનચંદ્ર જોષી, કેશરભાઈ વહોનિયા, પ્રદીપ મોઢવાડિયા, રાજુભાઈ સોની, મિતેશ ભટ્ટ અને રમેશ ચંદનાને 15મી ઓગસ્ટ 2022ના રોજ ગોધરા સબ જેલમાંથી મુકત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. સરકારના આ નિર્ણયને કોર્ટાં પડકારવામાં આવ્યો હતો.
સર્વોચ્ચ અદાલતે બિલ્કીસની અરજી અને અન્યની અરજીઓ પર સુનાવણી પૂર્ણ થયા બાદ 12 ઓક્ટોબર, 2023ના રોજ પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે ગુનો ‘ભયાનક’ છે પરંતુ તે ‘ભાવનાઓથી પ્રેરિત’ નહીં હોય અને કાયદાના આધારે જ કેસનો નિર્ણય કરશે. કોર્ટે એમ પણ કહ્યું હતું કે ગુજરાત સરકાર આ કેસમાં તેના અધિકારક્ષેત્રનો ઉપયોગ કરશે કારણ કે ત્યાં ગુનો થયો હતો.
બિલ્કિસે નવેમ્બર 2022માં કોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા. તેમની અરજીમાં એવી દલીલ કરી હતી કે, આ ‘સૌથી ભયાનક અપરાધોમાંથી એક’ છે. ચોક્કસ સમુદાય પ્રત્યે નફરતથી પ્રેરિત અત્યંત અમાનવીય હિંસા અને ક્રૂરતા હતી. બિલ્કિસ ઉપરાંત, CPI(M) નેતા સુભાષિની અલી, સ્વતંત્ર પત્રકાર રેવતી લૌલ અને લખનૌ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર રૂપ રેખા વર્મા અને મહુઆ મોઇત્રાએ પણ ગુનેગારોને આપવામાં આવેલી ઇમ્યુનિટી સામે PIL દાખલ કરી છે.
અરજદારોએ દાવો કર્યો હતો કે ઓગસ્ટ 2022માં દોષિતોને મુક્ત કરવાનો આદેશ મનસ્વી, દ્વેષપૂર્ણ અને ભેદભાવપૂર્ણ હતો. તેનાથી વિપરિત, દોષિતોએ દાવો કર્યો હતો કે એક વખત જેલમાંથી મુક્ત થયા પછી, બંધારણની કલમ 32 હેઠળ દાખલ કરવામાં આવેલી અરજીઓને ધ્યાનમાં રાખીને તેમની સ્વતંત્રતાને અસર અથવા દખલ કરી શકાશે નહીં.
તેમણે એવી પણ દલીલ કરી હતી કે ક્રિમિનલ પ્રોસિજર કોડ હેઠળ પણ પીડિત અને ફરિયાદીઓની ભૂમિકા મર્યાદિત હોય છે. એકવાર સજા ઉચ્ચારવામાં આવે છે, પીડિતાની ભૂમિકા સમાપ્ત થાય છે. દોષિતોએ એવી પણ દલીલ કરી હતી કે તેઓને સજામાં માફીનો લાભ માત્ર એ આધાર પર નકારી શકાય નહીં કે ગુનો જઘન્ય હતો.
ગુજરાત સરકારની દલીલ એવી હતી કે, તેમણે 13 મે, 2022ના રોજ સર્વોચ્ચ અદાલતની અન્ય બેંચના ચુકાદાના આધારે અને 15 વર્ષની જેલની સજા ભોગવ્યા બાદ 11 દોષિતોને પ્રતિરક્ષા આપી હતી. સરકારે કહ્યું હતું કે ગુજરાતની 1992ની મુક્તિ નીતિનું તમામ પાલન કાયદેસર અને યોગ્ય પ્રક્રિયા સાથે કરવામાં આવ્યું હતું.